પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૩૧
 

ત્યાંથી તેઓ ફોજસહિત પોતાને દેશ ઉતાવળે કુચકરી સહી સલામત પહોંચ્યાં."

સુંદર કહે રાણી બહુ ચતુર ને રૂડી. પઠાણ કહે રજપૂતો ગાંડીઆ જેવા, પણ તેમની સ્ત્રી અકલમંદ ને ડાહી હોય છે. રજપૂતો તરવારીના ખરા પણ મૂરખ, ને રજપૂતાણીઓ ભણેલી ને ગુણવાન એ નવાઈ જેવું છે. કહેવત છે કે 'ડાહીના ગાંડા ને ગાંડીના ડાહ્યા; મોંઘીના સોંઘા, ને સોંઘીના મોંઘા.' રજપુતાણી ડાહીને તેના દીકરા રજપુતો બેવકુફ, વાણીઅણ ગાંડી વલવલ ને તેના દીકરા વાણીઆ શાહાણા ને બુદ્ધિવાન; ભેંશો મોંઘી તેના પાડા સોંઘા, ગાયો સોંઘી મળે ને તેના વાછરડા મોંઘા. તમારા જીવને સુખ હશે તો એથીએ વધારે રમુજી કાણીઓ કહીશ; સુંદર ફીકું ફીકું જરાક હસી.

સુંદરની તબીએત સુધરતી ન ગઈ. વખતે ઠીક જણાય ત્યારે આશા થાય કે જીવશે, ને વળી ઘડીમાં એમ જણાય કે નહીં જીવે. ઘસાઈ ઘસાઈને છેક બળહીન થઈ ગઈ. માત્ર હાડકાં ને ચામડાં રહ્યાં. બે માસ થઈ ગયા. ઘણા વૈદ બદલ્યા પણ કોનું ઓસડ લાગ્યું નહીં. સ્વાસ ચાલવા માંડ્યો ત્યારે પઠાણે મોડાસાના બધા વૈદને બોલાવ્યા. તેમણે કહ્યું હવે તમારે એને પુનદાન જે કરાવવું હોયતે કરાવો કે એના સગાને સોંપો, હવે એક બે દહાડામાં એનો અંત આવશે. પઠાણે પુછ્યું શા રોગથી એ મરે છે. વૈદ કહે કાળજું જખમાયું, ને તે જખમ પાક્યો છે તેથી પાટું કે મૂક્કી કે લાકડી ઘણા જોરથી એના પેટ પર કોઈએ મારી હોય તો એમ થાય; વખતે બીજા કારણથીએ થાય.

સુંદરની આંખોમાં આંસુની ધારા ચાલી. પઠાણે અને વૈદોએ તેને ધીરજ આપી. સુંદર પઠાણને કહે હું જાણું છું કે હવે મારે આજકાલ મરવું છે, પણ મૂઆ અગાઉ મારે માંગવાનું એ છે કે મારા વરને શિક્ષા કરશો નહીં, મારી ખાતરે તેને છોડી દેજો એની ભલૂચૂક હું માફ કરું છું, ને તમે પણ તેમ કરજો. એના કરતાં એની મા બહેન વધારે અપરાધી છે. મારી હત્યા તેમને શિર છે. તેમણે વઢાવી માર્યા, ને મારી જોડે વેર કરાવ્યું, તેથી મારા ધણીનું ચિત્ત પર સ્ત્રી પર લાગ્યું; પગનાં સાંકળા હું ઊંઘતી હતી ત્યારે રાતમાં લઈ ગયાં, ને બીજી રાત્રે મારી પાંદડી માંગી, પણ મેં આપી નહીં તે પરથી મોટો કજીઓ ઉઠ્યો; એ ઝઘડાનો અંત મારા મોતની જોડે આણો એવી મારી ઇચ્છા છે. મારા વરને તથા મારાં કોઈ પણ સાસરીઆને હવે હેરાન કરશો નહીં. હું નિર્દોષ મરૂં છું. વૈદોની છાતી એના વેણે ભેદી, ને શુરા પઠાણના નેત્રમાંથી જળની સેરો વહી. સહુ ચૂપ થઈ રહ્યા.