પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૨૧ મું

પઠાણની બદલીની ખબર મોડાસાનાં લોકને થઈ ત્યારે તેઓ કહેવા લાગ્યા કે નાગરોએ કરાવી હશે, હરિનંદને ઉગારવા સારૂં અમદાવાદના સુબેદારને લાંચીને કે બીજી કોઈ રીતે વગ વસીલાથી. નાગરોની સત્તા તે કાળે પણ ઝાઝી હતી. તેઓ હાલની પેઠે ખટપટીઆ પણ હતા; હાલ જેમ એમનામાં થોડાક સાચા ને સારા પુરુષ છે તેમ તે વારે પણ હતા, પરંતુ આખી જ્ઞાતિ લઈએ તો તેઓ સુનીતિમાં બીજી જ્ઞાતિઓના લોક કરતાં સરસ નહીં હતા; ફારસી ભાષાના જ્ઞાનમાં, ચતુરાઈમાં, અને બુદ્ધિબળમાં તેમનો કંઈ હાથ ન હતો, માત્ર કાગનું બેસવું ને તાડનું પડવું તેવું થયું. પઠાણની બદલીથી નહીં પણ જાફરખાં મીયાં લાંચીઆ હતા તેથી હરિનંદ જન્મટીપથી બચ્યો.

પઠાણની કહેલી સજા સુબેદાર બહાલ રાખત એમાં શક નથી. જાફરખાં કરજદાર હતો. એની દાનત મૂળથી નઠારી નહોતી, પણ તેનો હાથ ભીડમાં આવ્યાથી તે ઉછીના અથવા બીજે મસે રૂશવત લેતો, ને જેઓ તેને પૈસા ધીરે કે ધીરાવે તેમની સપારસ માનતો. જાફરખાંના માગનારનો ગુમાસ્તો, રૂ. ૨૦૦૦) વ્યાજના ચડ્યા હતા તે વસુલ કરવાને એની પાછળ, મોડાસે આવ્યો હતો. વીજીઆનંદ અને એનો કાકો એ ગુમાસ્તાને મળ્યા. ગુમાસ્તે કહ્યું એ રુશ્વતને નામે નહીં લે પણ અંગ ઉધાર ધીરશો તો લેશે. તમારામાં કોઈ શાવકાર છે ?

વીજીઆનંદ – હા કેવળરામ મૂળજી નાણાવટી છે તે ધીરધારનો ધંધો કરે છે.

ગુમાસ્તો – તેની દુકાનેથી રૂ. ૩૦૦૦) ઉપાડવાની હું થાણેદારને સહલા આપીશ. તમે ને એ નાણાવટી માંહોમાંહે સમજો. મારાં બસે જુદાં. હરિનંદને હલકો ડંડ કરી છોડી મુકે એવો ઘાટ રચીશ.

વીજીઆનંદે તે વાત કબુલ કરી. જાફરખાને રૂપીઆ મળ્યાને બંદોબસ્ત થયો. ગુરુવારે હરિનંદને હાથ કડી સાથે કચેરીમાં ઊભો કર્યો. હજારો આદમી આસપાસ જોવા મળ્યું. જાફરખાન કહે 'છોકરા જે કેર ને ભારે અનર્થ (શ્રોતાઓએ જાણ્યું એને હાથીને પગે બાંધીને કચરાવી નાંખશે) કર્યાનું તહોમત તારા ઉપર મુકવામાં આવ્યું છે તે મારી નજરમાં સાબિત થયું નથી. મરનાર બાઈ સુંદર તારી ધણીઆણી, તારા મારથી મરી ગઈ કે બીજા કારણથી તેનો નિશ્ચય થઈ શકતો નથી, પણ તે એને બહુ મારી એ નકી જણાય છે, માટે માર મારવાનો ગુનો તારા ઉપર સાબિત થાય છે. તું નાદાન જણાય છે, માટે રહેમ કરી તને