પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
सासुवहुनी लढाई
 

સાસરેથી આણું આવવાનો સમે પાસે આવ્યો ત્યારે બહુ હરખાઈ. સાસરાના સુખ વિષે મનમાં અનેક વિચાર કરતી. સાસુજી બહુ લાડ લડાવશે, ને નણંદ જોડે ચોપટ રમવાની ઘણી મજા પડશે, વરની માનીતી થઈશ, વર ઘણું કમાશે ને ઘણા ઘરેણા કરાવશે, સાસરે મહાલતી થાકીશ ત્યારે વળી થોડા દિવસ પીયેર આવી રહીશ, વગેરે સુખી ધારણાઓથી એનું મન પ્રસન્ન અને પ્રફુલ્લીત રહેતું. પણ હાય હાય ! એના નીરપરાધી મનની આ બધી આશા કેવી ભંગ થવાની છે ! સંસારના સંકટોથી તે હજી કેવળ અજાણી હતી.

એનો બાપ વીરેશ્વર અને મા શિવલખમી શાક્ત હતાં. સુંદર બાર વરસની થઈ ત્યાં સુધી એને આ વાતની પુરી ખબર નહોતી. એના ઘરમાં એ મતના માણસો રાતના દશ વાગ્યા પછી પુનમે પુનમે ભરાતાં, પણ તે વેળા એ હુંગેલી હોય, અથવા જાગતી હોય તો એની મા કહે આ બ્રાહ્મણો ચંદીપાઠ કરવા આવ્યા છે, વગેરે કહી વહેલી જમાડી સુવાડી દે. એનું કારણ એ કે નાના છઈઆના પેટમાં વાત રહેતી નથી, ને આ વાત તદ્દન છાની રાખવાની જરૂર હતી. વામ માર્ગીઓની સંખ્યા ત્યાં મોટી નહોતી તેથી તેઓ ઉઘાડા પડવાને ઘણા ડરતા હતા. આ રાજમાં એ પંથને ઘણું અનુકુળ પડે છે, ને તેથી દિવસે દિવસે એનો પ્રસાર થતો જાય છે. સુધારાનું નામ બોલનારા બગડેલ માણસો દારૂ પીવા લાગ્યા છે. શાક્ત તથા એ મંડલ મળી દેશમાં દારૂડીઆની સંખ્યા વધી છે એ ખેદકારક છે. વીરેશ્વર અને શિવલખમી નૈષ્ટિક હતાં. તેઓના મનનો નિક્ષે હતો કે આદ્યશક્તિ વિના બીજું કોઈ આ સંસારનું સુખ અને મુવે મોક્ષ આપી શકે તેવું નહોતું. એ માટે પોતાની દીકરી સમજણી થઈ એટલે તેને દિક્ષા અપાવી. દીકરીના સાસરીઆ પણ શાક્ત હતાં. તેરમે વરસે સાસરે રાખી, ને ત્યારથી એની દૂરદશાનો આરંભ થયો. તેને ધણી હરિનંદ જાતે છેક નઠારા સ્વભાવના નહોતો. એ વખતે તેની વય સોળ વરસની હતી. રૂપે રંગે સારો હતો, અને ચાર પૈસા કમાતા થયો હતો. જજમાનોની દક્ષણા ઉપરજ વેદીઆ આધાર રાખી બેસી રહેતા નહીં. ઘણાક વેદાભ્યાસ, અને શાસ્ત્ર ભણવાં છોડી ધંધો રોજગાર કરતા. બારમા, તેરમા, માસીસા, વરસા આદિ નાતોમાં બધા જમતા તથાપિ ગોર ઘણે દરજે નાગરોથી બ્રાહ્મણ સ્વતંત્ર હતા; અને નાગરોને તેમને આધીન રહેવું પડતું. હરિનંદ કોઈ ડોશીવાણીઆની દુકાને વાણોતર હતો, એ બ્રાહ્મણ જાણી જોઇને અન્યાય કરે એવો નહોતો, પણ કોઈ ચડાવે તો ચડી જાય, ને ખરું ખોટું શોધી કાઢવાની દરકાર રાખ્યા વિના કોપી જાય. એક વાર ક્રોધમાં આવ્યો કે જંગલી બની જતો, આડું અવળું કાંઈ જુવે નહીં. હોળીની લઢાઈઓમાં આગેવાન થતો ને હીમ્મતથી લઢતો, પણ કુડ કપટમાં સમજતો નહીં. નાતમાં જમવા જાય ત્યાં બશેર ઘીનું માથું ભાગેને પાચમણ લાકડાં ચીરે, ને સાંજરે પાશેર ખીચડી ખાય કે વખતે નકોરડોએ ખેંચી કહાડે.

એના બાપનું નામ રમાનંદ હતું. એનું ઘરમાં જરાએ ચલણ નહોતું. એની સત્તા શૂન્ય હતી. એ મહારાજા સવાર સાંજ બે વાર ભાંગ પી ચકચુર રહે, ને વેહેતીઆ પોતડી પહેરી સારો દિવસ ઓટલે કે બારીએ બેઠા વાતના તડાકા મારે. બ્રહ્મઅક્ષર એકે આવડે નહીં, પણ તપખીર સુંઘવે, ને ભોજન કરવે શૂરા હતા. છીકણી સુંઘતાં એનાં નાશકોરાં એટલાં પોહોળાં થઈ ગયાં હતા કે તેથી છોકરાં બીતાં હતાં. એના એક એક નાક નાશકોરામાં પૈ ભાર તપખીર