પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કલ્પિત વારતાને રૂપે અનેક નાતોમાં ચાલતી સારી નઠારી રીતભાતો વગેરેને જાહેરમાં લાવી સારી હોય તેને વખાણવી અને માઠીને વખોડવી એ મારો હેતુ છે. કલ્પિત વાતો જોડનારાને એમ કરવાની હું વિનયપૂર્વક ભલામણ કરું છું. આપણા લોકમાં હજી સુધી બન્યા નથી અને હાલ બનતા નથી તેવા બનાવા કલ્પિને વર્ણવવા કરતાં એ પ્રમાણે કરવાથી વધારે ફાયદા થાય છે. જેજે હાલ થાય છે તેને શીખામણ આપે એવી કહાણીના રૂપમાં મુકીએ તે આપણા લોકના રદયને ભેદે છે, અને અસર કરે છે. એ રસિક લાગે માટે તેમાં મીઠાશ મુકતા આવડે તો લોકને વધારે પ્રિય લાગે છે, અને સુબોધક કરવાને તેમાં સુનીતિ આણ્યાથી ગુણકારી થાય.

[મ. રૂ.]
३४