પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
 


ચૌદ વરસની થઈ એટલે તેને સાસરે રાખી, ને ત્યારથી એની દૂરદશાનો આરંભ થયો. તેનો ધણી હરિનંદ જાતે છેક નઠારા સ્વભાવનો નહોતો. એ વખતે તેની વય ૧૯ વરસની હતી. રૂપે રંગે સારો હતો, અને ચાર પૈસા કમાતો થયો હતો. જજમાનોની દાન દક્ષણા ઉપરજ તે વેળાના વેદીઆ આધાર રાખી બેસી રહેતા નહીં. હાલના નાગર ગૃસ્થો કરતાં તે સમેના ગૃસ્થો બ્રાહ્મણો ઉપર શ્રદ્ધા વધારે રાખતા. ને દ્રવ્ય વધારે આપતા ને રાંધવા વગેરેનું કામ વધારે કરાવતા, પણ તેમના આપેલા વડે ભીક્ષુકોનો નિર્વાહ થાય તેવું નહતું, માટે વેદાભ્યાસ, અને શાસ્ત્ર ભણવાં છોડી ધંધો રોજગાર કરવો પડતો હતો. એમ કેટલેક દરજે નાગરોથી બ્રાહ્મણ સ્વતંત્ર હતા, તથાપિ તેઓ હાલના જેવા ગર્વિષ્ટ નહતા. તેઓ નાગરોને ઘટતું માન આપતા. હાલ જેમ એ બંનેમાં ઈર્ષા, અને દ્વેષ ચાલે છે, તેમ તે કાળે નહતા. નાગરો બ્રાહ્મણોને તે દહાડે પણ સરકારી નોકરી કે રાજકારભારમાં દાખલ કરતા નહીં, પણ બીજો ઉદ્યોગ કરવાને હરકત નહતી. હરિનંદ કોઈ ડોશીવાણીઆની દુકાને વાણોતર હતો. એ બ્રાહ્મણ જાણી જોઈને અન્યાય કરે એવો નહોતો, પણ કોઈ ચડાવેતો ચડી જાય, ને ખરું ખોટું શોધી કાઢવાની દરકાર રાખ્યા વિના કોપી જાય. એક વાર ક્રોધમાં આવ્યો કે જંગલી બની જતો, આડું અવળું કાંઈ જુવે નહીં. હોળીની લઢાઈઓમાં આગેવાન થતો ને હીમ્મતથી લઢતો, પણ કુડ કપટમાં સમજતો નહીં. નાતમાં જમવા જાય ત્યાં બશેર ઘીનું માથું ભાગે, ને બીજે દિવસે સવારમાં પાંચ મણ લાકડાં ચીરે, ને સાંજરે પાશેર ખીચડી ખાય કે વખતે નકોરડોએ ખેંચી કહાડે.

એના બાપનું નામ રમાનંદ હતું. એનુ ઘરમાં જરાએ ચલણ નહોતું, એની સત્તા સૂન્ય હતી. એ મહારાજા સવાર સાંજ બે વાર ભાંગ પી ચકચુર રહે, ને વૈહેતીઆ પોતડી પહેરી સારો દિવસ એટલે કે બારીએ બેઠા વાતના તડાકા મારે. બ્રહ્મઅક્ષર એકે આવડે નહીં, પણ તપખીર સુંઘવે, ને ભોજન કરવે શૂરા હતા. છીકણી સુંઘતાં એનાં નાશકોરાં એટલાં પોહોળાં થઈ ગયાં હતા કે તેથી છોકરાં બીતાં હતાં. એના એક એક નાશકોરામાં ભાર તપખીર માતી. એ ખાનારો કહેવો જબરો હતો તેનો સુમાર આપણે એ ઉપરથી બાંધી શકીએ કે, એક વખત મોડાસાના દેશાઇએ એની નાત જમાડી તે દહાડે કંસાર ઉપર છૂટાં ઘીને ખાંડ પીરસી. કેટલાક માણસો નાતમાં ખાય છે તેની જોડે ચોરે છે, એ જેમ હાલ છે તેમ તે સમે પણ હતું. એવી ચોરી પકડવાને દેશાઇએ આસપાસ સિપાઈ રાખ્યા હતા. નાત જમી ઉઠી ને રમાનંદ જેવા બહાર જાય છે તેવા