લખાણ પર જાઓ

પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
 

સિપાઇએ ઝાલ્યા. હો હો થઈ ગઈ, શું છે શું છે એમ કહેતા બ્રાહ્મણોનું ટોળું વળ્યું. એક બે સિપાઈ બીજા ન આવી પહોંચ્યા હોત તો જેણે રમાનંદને પકડડ્યો. હતો તેને ભટો મણની પાંચશેરી કરત, ને છઇયાની કંઠી કાપતો હતો એવું બુતાનુ તેને શીર મુકત. રમાનંદ કહે મારા ચંબુમાં ઘી નથી, પાણી છે; સિપાઈ કહે નહીં ઘી છે, લાવ દેખાડ. શોર બકોર સાંભળી દેશાઈ આવી પહોંચ્યા, ને પુછ્યું શું છે. સિપાઈ કહે એના ચંબુમાં ઘી છે. રમાનંદ કે જુવો આ પાણી છે, લો હું પી જાઉછું, એમ કહી ચંબુ મોડે માંડ્યો તે જરા વારમાં ત્રણ શેર ઘીનો ભરેલો ખાલી કર્યો. ભર્યા પેટમાં એટલું ઘી માય નહીં એમ કહેશો નહીં, આજે પણ બ્રાહ્મણોમાં એવા માણસ છે. એક બ્રાહ્મણને હું ઓળખું છું, જેણે નાતમાં જમી આવીને એક રૂપીઆની છશેર બરફી, આદુ કે મીઠાની ગાંગડી જોડે લીધા વિના થોડા વરસ પર ખાધી હતી. તે શરત બકેલો રૂપીઓ ખસોટે ખોસી ઘેર ગયો. બીજે દહાડે તેને મુરછી બરછી કાંઈ થઈ નહીં. રમાનંદ જમવામાં એવો વકોદર, વાતો કરવામાં ચપળ, ને નાતમાં કાંઈક વજનદાર હતો, તોએ ઘરમાં ધણીઆણી કે છોકરી આગળ કાંઈ ચાલતું નહીં. શિખામણ દેવા કે ડહાપણ કરવા જાય કે ઝાપટી પાણીથી પાતળો કરી નાંખે. એ તરફનો ખેદ મનમાંથી દૂર કરવાને તે ઘણી ભાંગ પીતો હશે. એ ધારતો કે મારે બે દીકરા ને એક દીકરી છે. એ ત્રણે પરણેલાં છે. મોટાં થયાં છે ને સુખી છે, ત્યારે મારે તેમથી ભાંજગડમાં શાને પડવું જોઇએ. એમ વિચારી સંતોષ માની ઘરમાં જે થાય તે જોયા કરતો.

એના વડાપુત્રનું નામ વીજીઆનંદ હતું. હરિનંદમાં ને તેમાં એટલો ફેર હતો કે તે જરાક સ્વતંત્ર વિચાર કરી શકે તેવો હતો. વીજીઆનંદના મનમાં એની માની ને બેનની ચાલ વિશે શક હતો તેથી તેમના કહેવા પર ભરોશો રાખતો નહીં, ને હરિનંદની પેઠે ભરમાતો નહીં. તે પણ મીજાશી ઘણો હતો. માને વહુ - લઢતાં હોય તો વખતે કહેશે છો રાંડો વઢીમરતાં, ને વખતે બંનેને ધમકાવે ને ટપલા લગાવે.

એની મા અનપુણા ને બેન કમળા બંને ઘણાં હારૂના બઈરાં ગણાતાં. કમળાનાં સાસુ સસરો મરી ગયાં હતાં, અને વર નબળા મનનો હતો, તેથી સાસરે કોઈ પુછનાર મળે નહીં, ને પીએર લાડકી હતી, માટે સ્વછંદે વર્તવામાં હરકત પડતી નહીં. એવું પણ કહેવાય છે કે કોઈવાર રાત્રે મરદના લુગડાં પહેરી બાહાર નિકળતી. સારી સ્ત્રીઓમાં લાજ, શરમ, વિવેક, ને નરમાસ હોય છે,