પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૨ જું

વડસાસુ ગત થયાં તેવારે સુંદર ૧૫ વરસની હતી, ને તેની જેઠાણીચંદા ૧૭ વરસની હતી. એ ચંદા બહુ રૂપાળી નહોતી, પણ તેને બદલે તેનામાં સ્ત્રી ચરિત્રો ઘણાં હતાં. એના જેવો ઠમકો ને લટકો, એનુ મંદ મંદ હસવું, ને મીઠું ઝીણા સ્વરે બોલવું થોડીજ નાગરીઓને આવડતું, તો બીજી જાતની સ્ત્રીઓને તો ક્યાંથી આવડે. એના આચરણ ભુડાં હતા. અનેક તરેહના ઢોંગ અને તરકટ એને આવડતા. એને એક કણબેણ બેન હતી તેનાથી એ બધું શિખી હતી. સાસુની કે નણંદની બોલી જરાએ સાંખે નહીં, રોકડા જવાબ પકડાવી દે. વર તરફથી જુલમ ન થાય, તથા તેના મનમાં દયા ભાવ ઉપજે માટે, અને બહુ કામ કરાવે ત્યારે, જુઠી જુઠી માંદી થાય. સાસુ લડે કે પાધરી મોહોવાળવા બેસે, અથવા ગળામાં ફાંસો નાંખે કે કુવામાં પડવા જાય; હાથે કરી ને મરે એવી ખરી નહોતી, પણ પોતાની સખી કણબણ એને કહેતી કે એવો ઢોંગ નહીં કરે તો સંખણી સાસુ જરાએ જંપીને બેસવા નહીં દે. એની એક બેનપણી સોનારણ હતી તે કહે અલી તારા દીલમાં ભૂત આવ્યાનો બુટ્ટો ઉઠાવ, તે વધારે ઠીક પડશે. દોશી (વડસાસુ) ભૂત થયાં છે એવી વાત ચલાવ. ધુણવું, દાંત ભીડવા, આંખો લાલ કિરવી, વગેરે ભૂત આવ્યું છે એવું બતાવવાને લુચ્ચી બાઇડીઓ જે કરે છે તે બધું કરવાને ચંદાગવરીને શિખવ્યું. એવું કરી જે પીડાથી જેઠાણી ઉગરી તે પીડા બીચારી દેરાણી ઉપર બમણા જોસાથી આવી પડી.

જેઠાણી સુંદરને પોતાની પેઠે કરવાને સલાહ આપે, પણ તેમ કરવાની તે ના કહે. સુંદર કહેશે જેટલું દુખ ભોગવવું મારા કરમમાં લખ્યું હશે તે કરોડ ઉપાય કરે મટવાનું નથી, માતાજીએ જે ધાર્યું હશે તે થશે, સાસુ નણંદ જેટલાં મેણાં મારે તેટલાં સાંભળ્યા કરે, સામો ઉત્તર જ ન આપે. તેમની પાસે જઈ બેસે નહીં ને જરૂર વગર તેમની જોડે બોલે પણ નહીં; તેઓ આ ઓરડામાં બેઠાં હોય તો પોતે બીજા ઓરડામાં જઈને બેસે. પણ કહેવત છે કે ભલાની દુનિયાં નથી. એ જેમ લઢાઈ ટંટાથી દૂર રહેવાને યત્ન કરે તેમ પેલી કલંટ લુચ્ચીઓ એના ઉપર વધારે પડતાલ પાડે. ઘણુ ખરું જેઠાણી તો માંદી થઈને કે ભૂત આવેલી સુખે સુઈ રહે, મા દીકરી વાતોના તડાકા માર્યા કરે ને રાંધવા સિવાય બાકીનો સઘળો ધંધો બાપડી સુંદરને માથે નાખે. ખારા પાણીનો કુવો ઘરમાં હતો, પણ મીઠું પાણી વેગળેથી લાવવું પડતું; ચુલા અબોટ કરવાં, વાસણ માંજવાં,