પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
 

વાસીદા વાળવા, લુગડાં ધોવાં, દળવું, ખાંડવું, આદિ સર્વ કામ સકોમાર સુંદરની કને કરાવે. કરાવે તો ધુળ નાંખી, પણ કર્યા પછી જસને ઠેકાણે જુતીયાં આપે. આ કર્યું તે નઠારું કર્યું, તારી મા એવી ને તારો બાપ એવો, મોઢાનો દાથરો આખો દહાડો ચઢેલો ને ચઢેલો, મારી મોટી વહુ તો સારી કે જે હોય તે મોઢે કહીદે, એના પેટમાં પાણી નહીં, એતો ભોળી, પણ આ નાની વહુ તો મહા કપટી, જેની પેટની વાત કોઈ જાણે નહીં, એ ખરેખરી ધુતારી, એના બાપનો પૈસો આપણે શા કામનો, એની પાસે કામ કરાવીએ તેનાથી હાથે કરીએ તે ઠીક, હઈયાતોડ કરતાં હાથતોડ સારી, બળ્યું એનુ મોહ, એમ ફડફડ ને બડ બડ કર્યા કરે. સુંદર આંખ આડા કાન કરે, જાણે બહેરી હોયને. પોતાના ધણીનો પ્રેમ સંપાદન કરવાને મહેનત કરે; તેની મરજી રાખે, સેવા ચાકરી કરે, તેનુ વચન ઉથાપે નહીં, વગેરે બને તે રીતે તેનુ મન રાજી ને રંજન કરવાની કોશીશ કરે. એની મહેનત મીથ્યા કરવાને દુષ્ટ સાસુ કસર રાખતી નહીં. હરિનંદ ઉપર માનો દાબ જબર હતો. તે એવી યુક્તિથી એના કાન એની વહુની નિંદાથી ભરે કે તેના મનમાં વેર ઉત્પન્ન થાય. માંહેનો ભેદ સમજી જાય એટલા હરિનંદમાં રામ નહોતા. મા બેનની વાતો સાંભળી સાંભળી એનું રદય છેક કઠણ થઈ ગયું, ને બીચારી સુંદર ઉપર જુલમ કરવામાં તે પુરો સામીલ થઈ ગયો. મહિનામાં એક બે વાર તો ટપલા, તમાચા, લાત વગેરેથી પૂજા કરેજ કરે, ને ગાળો તો હાલતાં ચાલતાં ભાંડે. ચંડાળ સાસુ એને પુરૂં ખાવા ન આપે, ન આપે અથાણું કે શાક, ને નિત્ય તાહઢું ખવરાવે. વારે વારે પીએર કહાડી મુકે. સુંદરની જેઠાણીને પણ એક બે વાર ઘરેણુંગાંડું ઉતારી લઈ કહાડી મેલેલી, પણ તેના ભાઈઓ ને મામા એવા વઢનારા જબરદસ્ત હતા કે આવી મોહોલો ગજાવી મુકે, ગાળે ગાળે ધોઈ નાંખે, ને આખા ગામમાં વગોણું કરે. સુંદરની વારે ચડે એવું કોઈ નહતું. ઘણું થાય ત્યારે પીએર જઈ માની સામે બેસી રૂવે ને મા જોડે રોવા લાગે. એમ રોવાનું ઠેકાણું પણ થોડે વખતે બંધ થયું. એનાં મા ને બાપ છ-છ મહિનાને અંતરે મરી ગયાં, ને સુંદર કેવળ નિરાધાર થઈ ગઈ. નમાઈ ને નબાપી થઈ તોએ એની ક્રૂર સાસુ, નણંદ, અને ઊંટ જેવા વરના મનમાં દયા ન આવી. તો પણ એ જુવાનને ભલી સ્ત્રી નિરાશ થઈ નહીં. અગાઉ કરતાં તેણે વધારે હિમ્મત બતાડી, ને સાસુ નણંદના ભાલા જેવા વેણના ઉત્તર આપવાની હામ ચલાવી. ધણીને તેણીએ કહ્યું કે હું કાંઈ તમારી વેચાતી લાવેલી લુંડી નથી કે તમારી ગાળો ને તમારો માર સાંખી રહું. મારા મા બાપ બીચારાં સ્વર્ગવાશી