પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૩ જું

સુંદરને દાદરેથી હડસેલી પાડી, તેનું માથું ફુટ્યું, ને બે ઘડીએ શુદ્ધિ આવી, તોએ કોઈએ ચાંગળું પાણી પીવાનું આપ્યું નહીં, ને તેની ભણી નજર સરખીએ કરી નહીં, એ વાત તેની જેઠાણીએ બીજે દિવસે પોતાને પીએર જઈ કરી, ને ત્યાંથી આખી નાતમાં ફેલાઈ ગઈ. હરિનંદના સાથીઓ તેની મશ્કરી કરવા લાગ્યા. એક કહે પંડ્યાજીએ તો વાઘ માર્યા; બીજો કહે પંડ્યા કહેતો ખરો બચ્ચાં શા પ્રાક્રમ કર્યા. એક જુંગો સાત લાડુનો ઘરાક હતો તે કહે બેટાજી મને સીડીએથી હડસેલી પાડે તો બતલાવું, આ તારા મોઢામાના બત્રી દાંતમાંના કેટલા પોતાની જગાએ રહે છે તે ત્યારે ખબર પડે. હરિનંદે હસીને ધડલઈને તેને ધોલ ચોડ્યો. જુગાએ તેની ફેંટ પકડી ઉચક્યો; બીજા વચમાં પડ્યા તેથી જવા દીધો, નહીં તો પટક્યા વગર રહેત નહીં.

એ ટોળીમાંના ઘણાક વહી ગએલા ગણાતા. હાલના જુવાની જેમ સોડાવાટર, લેમોનેડ, પોર્ટવાઈન, ને બ્રાંડી પીએ છે, ને બિસકિટ ને પાંઉ ખાય છે, તેમ તે કાળના છોકરા ગાંજો પીતા, અરબલ લોકના બુંદ ખાનામાં બુંદ પીવા જતા, ને નાનખટાઈ ને ભઠીઆરાના રોટલા વગેરે ખાતા. હરિવંદના જુંગાને પુલાવ બહુ ભાવતો. એમાંના એકનું નામ કુબેરભટ હતું. તે તળાવના મહાદેવના દેહેરામાં ભંગડખાનુ રાખતો. દહાડે કચેરી બહાર જઈ બેસી લોકની અરજીઓ લખી આપે, ને સાંજના ભાંગ પીવા આવનારાને પૈસાની બે લોટી લેખે માયા પાય. પોતે લીલી ઘોડી (ભાંગરૂપી) પર ચડ્યા હોય તે વેળા છાંટ મારવામાં ચતુર હતા ને તેથી જ્ઞાની ને ડાહ્યામાં ખપતા.

એ ટોળીમાં કેટલાક સારા આદમીઓ પણ હતા. એમાંના એકનું નામ ગંગાશંકર ત્રવાડી હતું. તેણે ચાર દહાડા વચમાં જવા દઈને હરિનંદને એકાંત બેસાડી ઘણી શિખામણ દીધી. નાતમાં કેટલાક બઈઅર મારૂ હતા તેમની વાત કહાડી ને તેમના જંગલીપણાના કેવાં માઠાં ફળ થયાં છે તે સમજાવ્યાં. કકુભાઈ અને મોટાજી નામે મોડાસામાં બાયડીને મારવામાં બદનામ પામેલાની વાત કહી. એ બંનેમાં કાંઈક સગપણ હતું. બંનેના સ્વભાવ જુદા હતા, ફક્ત બે વાતે મળતા, વહુને મારવી ને વ્યભિચાર કરવો એ બે ભુડાં કામમાં તેઓ સરખા હતા. એમની સ્ત્રીઓ માર ખાધે જરા સુધરી નહોતી, ઉલટી બગડી હતી; તેમને માર ખાધાથી લાજ લાગતી નહોતી, ને શાની લાગે; રોજનું થયું એટલે નફટ થઈ ગઈ હતી.