પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
सासुवहुनी लढाई
 

એક તો મોટી મોટી માતેલી ભેંશ જેવી જાડી થઈ હતી, ને કાંઈ કાંઈ જાતના ફતવા કરતાં શિખી હતી. કકુ ને મોટો મળે ત્યારે બડાઈ મારે, એક કહે હું મરદ ને બીજો કહે હું મરદ, એક દિવસે શરત બકીકે જોઈએ આજ વધારે કોણ મારે છે. પોતાનો આ બુરો મમત અમલમાં લાવી શક્યા નહીં કેમકે એક પાડોશીના જાણવામાં એ વાત આવી. તે એમના કર્મોથી કંટાળી ગયો હતો. તેણે જઈ એ બીના ગામના હાકેમને જાહેર કરીને સારા આબરૂદાર સાક્ષીઓ આપ્યા, તે પરથી તે બંને દુષ્ટોને એક એક મહિનો હેડમાં ઘાલી રાખ્યા, ને સો રૂપીઆ દંડ આપ્યો ત્યારે છુટ્યા. છોડતી વેળા હાકેમે તેમને સારી શિખામણ દીધી. તેણે કહ્યું જુવો અમારી નજરમાં બધી રઈએત સરખી છે. અમારે મરદ, ઓરત, ને બચ્ચાં, સરવેનું રક્ષણ કરવું જોઈએ. પુરુષ જેમ ફરીઆદ કરી શકે તેમ સ્ત્રી પણ કરી શકે ને છોકરા પણ કરી શકે. અમારા તમારા ધર્મમાં ધણી ને બાયડી ઉપર, અને માબાપને છોકરાં ઉપર, કેટલોક અધિકાર આપ્યો છે, તે ઉપરાંત જે વાવરે તેને સજા કરવાનો પાદશાહનો હુકમ છે.” કોઈ આદમી પોતાની વહુને કે છોકરાને મારી નાંખે તો તેને ગરદન મારીએ; મારી ન નાંખે પણ વગર કારણે અમરીઆદ પીડા કરે તો એ તેને શિક્ષા કરીએ છીએ. સ્ત્રીને પરમેશ્વરે સરજાવી છે, ને તેને સ્વર્ગ નર્ક છે. તેનો વાંક હોય ને તે સુધરે નહીં તો જુદી રાખો પણ એમ જંગલી રીતે પશુ જેવી ગણો તે નહીં ગણવા દઈએ. જાઓ આ વખત થોડો ડંડ થયો છે, બીજીવાર પકડાશો તો ભારે સાસન થશે.

ગંગાશંકરે હરિનંદને કહ્યું હું તમને ડરાવવાને નથી કહેતો પણ ચેતાવવાને કહું છું, કે ફરીથી એવું ન થાય તો સારૂ. તેં તેને દાદરેથી પાડી નાખી ને તેનું માથું ફુટ્યું. એ વાત કચેરીમાં ગઈ તો પછી તમારી શી વલે થાશે, તેનો વિચારે નહીં કર્યો હોય. તારી મા ને બેન તે સમે ત્યાં હતાં તેમને સાહેદી પુરવા બોલાવે તો શું કરો ? એ સાંભળી હરિનંદના મનમાં ભય ઉત્પન્ન થયું તે તેના ચેરા પરથી જણાયું. એનો લાભ લઈને ગંગાશંકરે તેને સુધારવાને વધારે પ્રયત્ન કર્યું. માનો ઉપકાર છોકરા ઉપર કેટલો બધો છે, ને માની સેવા ચાકરી કરવી, સહાયતા આપવી, માયાહત રાખવાં એ છોકરાંનો ધર્મ છે તે કબુલ કરી યુક્તિથી સમજ પાડી કે એ બધાને હદ છે. માની આજ્ઞા ખોટી, દુષ્ટ, કે ગેરવાજબી હોય તો ના પાળવી, કેમકે માનાથી પરમેશ્વર મોટો છે, ને તેની આજ્ઞા પાળવાને માણસ વધારે મોટા બંધનમાં છે. તમે અન્યાય, જુલમ, ક્રૂરપણું, ને જે જે બીજા અપરાધ કરશો તેનો જવાબ તમારી પાસેથી પરમેશ્વર લેશે, તમારી મા બેનને નહીં પૂછે;