પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
सासुवहुनी लढाई
 

બેઠો. પાઘડીમાંથી અફીણ કહાડી પૂછ્યું ઠાકોર લેશો ? કાસદે પૂછ્યું તમે કયાં જશો ? જેસંઘ કહે ભાઈ અમે તો અમદાવાદના નિસર્યા અજમેર જઈએ છીએ, મારા બાપ હઠીસિંહ ત્યાં રહે છે તેમણે તેડાવ્યા છે. કાસદે તેનું નામ પુછ્યું, ને અમદાવાદમાં ઠામ ઠેકાણું પુછ્યું. પછી નિશાસો મુકી પોતાની પોટલીમાંથી કાગળ કહાડી કહ્યું જુવોને આ તમારો છે. જેસંઘે પોતાનું સરનામું વાંચી કહ્યું હા એ મારો છે. તે વાંચતા વાંચતાં તેની આંખોમાંથી જળની ધારા વહેવા લાગી; એ માઠા સમાચાર માને કહી ત્રણે જણ (મા દીકરો ને વહુ) ઘણું રોયાં, માથાં કુટ્યાં ને કલ્પાંત કર્યું. બીજા લોકે સમજાવી ધીરાં પાડ્યાં ને નવરાવ્યાં; ખીચડી મુકી ખાવાનું સહુએ બહુ કહ્યું, પણ તે ન માની રાત્રે ભુખ્યાં પડી રહ્યાં. કાગળમાં મુનીમ દયારામે જેસંઘને લખ્યું હતું કે તમે ઉતાવળે આવી દહાડો પાણી કરી તમારી માલ મીલકત તમારા સ્વાધિનમાં લો. માટે મળશકે એમણે ચાલવા માંડ્યું. પેલો કાસદ પણ એમની જોડે પાછો વળ્યો, ને માર્ગમાં હઠીસિંહની ચઢતીકળા, તેની આબરૂ, તેની દોલત, ને તેના અકાળ મૃત્યુની વાતો કરી એ દુઃખી કુટુંબનું મન મનાવતો. શીરોઈથી એક મજલે રાતવાસો રહેવાનું ગામ હતું ત્યાં જળવજળ દહાડો રહેતાં આવી પહોંચ્યાં. ગામની વચમાં ધર્મશાળા હતી ત્યાં ઉતર્યા. જેસંઘ સીધું લેવા ગયો ને કાસદને થડમાં કુવો હતો ત્યાં પાણી ભરવા મોકલ્યો. એવામાં ગામમાં વાઘ આવ્યાની બુમ પડી ને દોડા દોડ થઈ રહી. ધર્મશાળામાં ઘણું માણસ આવી ભરાયું; મા છોકરાંને ઘાંટો કહાડે, છોકરાં મા બાપને બોલાવે, ઢોર ધશ્યાં આવે, ને જે ગભરાટ થયો તે કહ્યો ન જાય. કોઈ માણસ ઝાડે ચઢી ગયા, કોઈ પોતાના કે પારકા ઘરમાં ભરાયા, ને કોઈ નાઠા સીમાડામાં. ખરે એક મોટો પણ ઘાયલ થયેલો વાઘ ગામમાં ફાળ મારતો પેઠો ને ધર્મશાળા આગળ થઈ ચૌટાની વાટે ગામ બહાર બીજી ગમ નિકળી ગયો. તેની કેડે શીરોઈના પાટવીકુંવર શીકારી હાથી ઉપર બેસી ધશ્યો આવતો હતો. ગામથી ગાઉએકને અંતરે તેણે વાઘને પકડી પાડ્યો ને ગોળી મારી જમીનદોસ્ત કર્યો. જંગલમાં ડુંગરની બખોલોમાં તે સુતો હતો ત્યાં તેને કુંવરે ગોળી મારી જખમી કર્યો હતો, પણ નિશાન ચુકી ગયાથી ગોળી બરાબર વાગી નહોતી. વાઘ નાઠો ગામ તરફ આવ્યો ને કુંવર તેની પાછળ હાથીને દોટ મુકાવતો હતો. હાથી છેક નજીક આવી પહોંચ્યો, ને બચવાનો લાગ કાંઈ જણાયો નહીં ત્યારે નાસતાં ઊભો રહી વાઘ સામો થયો, અને હાથીના કુંભસ્થળ ઉપર છલંગ મારી. માવતે તેની ફાળ પોતાના ભાલા ઉપર ઝીલી. તેજ ક્ષણે ભાલો ભાંગી ગયો ને વાઘ ને માવત બંને હેઠે