પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૩
 

પડ્યા. બીજી ફાળ મારે તેના પહેલાં રાજકુંવરે ગોળીએથી તેનું મગજ ફોડ્યું અને પ્રાણ લીધા.

રાજકુંવરે ગામમાં આવી મુકામ કર્યો ને મારેલા વાઘનું મડદું દેખાડી લોકનો ઘભરાટ મટાડી દીધો. સવાર થતાં તેઓ શીરોઈ સીધાવ્યા.

સુધ ઠેકાણે આવતાં ગામમાંથી કેટલાંક આદમી ખોવાએલાં માલમ પડ્યાં તેમાં જેસંઘ પણ હતો. અંધારી રાત, અને અજાણ્યું ગામ, તેમાં એની મા ને વહુ શોધવા ક્યાં જાય ? એક મોટું દુખ હતું તેમાં આ બીજી આફત આવી પડી. બંને રોવા લાગી. એવામાં કાસદ તો આવ્યો. તેણે ધીરજ આપી ને કહ્યું હું ઝાડે ચઢી બેઠો હતો તેમ જેસંઘશેઠ પણ કોઈ ઠેકાણે ભરાઈ રહ્યા હશે તે હવડાં આવશે. આખી રાત ચિંતામાં અને ઉદાસીમાં કહાડી ને વહાણ વાયું પણ જેસંઘ આવ્યો નહીં. વહુને સામન સંભાળવા ધર્મશાળામાં મુકીને એની સાસુ તથા કાસદ તેની ખોળ કરવા નિકળ્યાં. ગામની આસપાસ ફર્યા પછી તળાવને કાંઠે જઈને બેઠાં. ત્યાં કાસદે બાઈને સમજાવી કે તારા ધણીનું ઘણું ધન છે. તે તું વહેલી કબજે નહીં કરે તો મુનીમ ને વાણોતરા ચોરી જશે. કેવા કિંમતી ને સુંદર લુગડાં ને દાગીના તેને સારૂ લીધા હતા તે કહી બતાવ્યા. રોકડ નાણું પુષ્કળ છે. તે ઉપરાંત વેપારીઓને ધીરેલું છે તે પણ ઓછું નથી. કમનસીબથી મુનીમ અને વાણોતરો સારા માણસ નથી, ને અજમીરનો રાજા અતિ લોભી ને લાંચીઓ છે. તારા ધણીની દોલતમાંથી એ ગુમાસતા તેને કાંઈ ભાગ આપશે, ને બાકીનું પોતે ઉડાવશે. પછી તારી ફરીઆદ કોઈએ સાંભળવાનું નથી, માટે અહીં ખોટી રહેવું ઠીક નથી. આ ગામના મુખીને કહી જઈએ કે જેસંઘની ખોળ કરે ને જડે ત્યારે અજમીર મોકલી દે. પચીસ પચાસનું ઈનામ આપવું કહીશું તો બેશક તેને મુકી જશે. તેણે બે કલાક યુક્તિથી સમજાવી બાઈનું મન ફેરવું, ને ત્યાં ઠરાવ કરી ઉઠ્યાં કે આજ બપોર કેડે ચાલવા માંડવું. મુકામે આવી સાસુએ વહુને કહ્યું છઇઓ કાંઈ માલમ પડતો નથી, બીજે ગામ જઈ ચડ્યો હશે. મેં મુખી પટેલને પચાસ રૂપીઆ ઇનામ આપવા કર્યા છે તે તારા વરને શોધી કાઢી અજમેર મુકી જશે. આપણે આજ ચાલવા માંડીશું. વહુએ ચોખી ના પાડી કે હું એમને મેલી નહીં આવું. તેપર સાસુ તેને લઢી પણ વહુ ડગી નહીં, ત્યારે તે બીચારીને ત્યાં રખડતી મુકી કાસદ ને સાસુ ગયાં.

વહુતો પોકે પોકે મેલી રોય. “ઓ અનાથના ધણી, નીરબળને આશરો આપનારા, દીનદયાળ પ્રભુ મને સહાય થા. અરે મહારાજ મારું અહીં કોઈ નથી.