પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૯
 

લીધા વિના પરમાર્થે રાજા કરે છે; એવા ચતુર, પ્રમાણિક, દયાળુ, ને પ્રાક્રમી રાજા પૃથ્વી ઉપર કોઈકજ થયા છે; ભરતખંડમાં એ રાજાના જેટલું બળવાન, લક્ષ્મીવાન, ને વિદ્વાન (રાજાને પોતાની સહી કરવી કઠણ પડતી હતી.) બીજું કોઈ નથી, જેના નામથી દીલ્લીમાં અકબર પાદશાહ ધ્રુજે છે, જેણે આખું જગત વસ કર્યું છે, જે શાક્ષાત વિષ્ણુનો અવતાર છે, આદિ કેવળ જુઠી છાંટ એ કવિતામાં મારી હતી. મૂર્ખ રાજા આવા અસત્ય ભાષણથી પ્રસન્ન થયો ને કાણા કવિરાજને શેલું પાઘડીનો સરપાવ દીધો. ને જીવતાં સુધી સો રૂપીઆનું વર્ષાશન કરી આપ્યું.

હરિનંદ – જેસંઘે એની ચંડાળ માનું નાક કાપવા દીધું હોત તો સારું થાત.

ગંગાશંકર – તે વેશ્યાનો અપરાધ તો મોટો હતો, તથાપિ બધી ગમથી વિચાર કરતાં મને એમ લાગે છે કે તેને તે જંગલી સજામાંથી ઉગારી તે ઠીક કર્યું, ગમે એવી પણ મા હતી. છોડાવી લાવી ઘરને ખૂણે રાખી તે રૂડું કીધું.

આ વાતનો ઉંધો અર્થ લેશો માં. હું એમ નથી કહેતો કે ઘણીક મા આવાં ઘોર પાપ કરે છે. આ દ્રષ્ટાંત મુકવાની મતલબ એ છે કે મા સદા નિર્દોષ હોય એમ સમજવું નહીં. જેમ બીજા ભલે ને વાંક કરે, તેમ મા પણ ભુલે ને વાંક કરે. જેમ માના ઉપર જુલમ કરવો એ મોટું પાપ છે તેમ વહુના ઉપર કરવો એ પણ મોટું પાપ છે. વળી જુલમથી બાયડીઓ વેઠે છે, ને અનીતિના ખાડામાં પડે છે. આપણા લોક આટલા બધા કપટી, ઢોંગી ને પ્રપંચી થઈ ગયા છે, ને જુઠું બોલવામાં લાજ માનતા નથી તે મુસલમાનોના જુલમનું પરિણામ છે. તમને શહાણાને વધારે શું કહીએ, જેઓ પોતે કમાતા નથી ને માબાપ રોટલો આપે તો ખાય એવી સ્થિતિમાં છે તેઓ લાચાર છે. પરંતુ જે પોતે રળે છે તે શા સારૂ અન્યાય કરવા ને જુલમ કરવામાં સામીલ થાય ?