પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૪ થું.

તેજ રાત્રે ઘેર જતાં (ગંગાશંકરથી છુટા પડ્યા પછી) હરિનંદે એક બાયડીને રસ્તામાં રોતી જોઈ. તેની આસપાસ ટોળું મળ્યું હતું. “ઓ મારી મારે મને મારી નાખીરે ! એ રાંડની શિખવણીથી એ મુવા દઈતે મને મારીરે ! બાપ બહુ દુખે છે ! એ દીકરો ફાટી મરે રે, એને માતાજી ખાય ! હાય હાય હવે હું કોના ઘરમાં જઈશ ! મને અરધી રાતે ઘરમાંથી કાઢી !” તેનો એક પડોશી તેને સમજાવીને પોતાના ઘરમાં લઈ જતો હતો, લોક તેના છોકરાનો તથા વહુનો ધિક્કાર કરતા હતા. એ રોનારી ઘાંચણ હતી. હરિનંદના મનપર ગંગાશંકરે જે અસર કરી હતી તે એના વિલાપથી નબળી પડી ગઈ.

તોપણ તે દહાડાથી ધણી ધણીઆણીને વધારે બનવા લાગ્યું. પોતાનો પાસો સવળો પડતો જોઈ સુંદર અચરત પામતી. સ્વામીની દ્રષ્ટિ અગાઉ જેટલી કરડી નથી, તે જરા વહાલ દેખાડે છે, ને હેતથી બોલાવે છે એવો અનુભવ થતાં બહુ હરખાઈને તેણીએ અંબાજીમાં ઘીનો દીવો કર્યો. એવો લાગ ફરીને હાથ આવવો કઠણ છે એવું જાણી તેણીએ વરને રાજી કરવાને પોતાથી થયું તેટલું કર્યું. જે સુખ શાન્તી ભોગવવાનો સ્વભાવિક, પરમેશ્વરથી મળેલો, વર વહુનો હક છે તેમાંનાં થોડાંકનો સ્વાદ એઓએ છાનો છાનો ચાખવા માંડ્યો.

પણ ચાર દહાડાનું ચાંદરણું ને પાછી અંધારી રાત. હરિનંદનું મન દ્રઢ નહતું, તેથી મા થોડા માસમાં ફેરવી શકી. વળી નાથની માનીતી થવાની વાત જાહેર કરવામાં તથા સાસુજીની જુલમી હકુમતમાંથી છુટવાને સુંદર વહુએ ઉતાવળ કરી કામ બગાડ્યું. એનું સુભાગ્ય અણચણોથી ઢાંક્યું રહ્યું નહીં. તે ભુંડી પણ ચપળ નારીએ હરિનંદની ચાલમાં જે ફેર પડ્યો હતો તે વરતી કાઢ્યો, ને પોતાની દુષ્ટ ગોઠવણો કરવા માંડી.

સુંદરની નણંદ માથે આવી હતી તેવામાં સાસુએ એક ઢોંગ ઉડાવ્યો. હરિનંદને સાંજરે ઘેર આવવાની વેળા થઈ તે વારે તે થર થર ધ્રુજવા લાગી ને બે ગોદડાં ઓઢીને પરશાળમાં છપરખાટ હતી તેપર સુઈ ગઈ. ત્યાર પહેલાં પા ઘડીપર સુંદર કોઈ સગાને ઘેર મીઠું પાણી લેવા ગઈ હતી. હરિનંદ આવ્યો તેવો માની કને જઈ બેઠો ને ખબર પુછી. ગોદડામાંથી મોહો કાઢી હાંફતી હાંફતી તે બોલી બેટા તું ને તારો ભાઈ જમીને બપોરે ગયા પછી ઘડી બેએક થઈને મને ટાઢ આવી. ટાઢ તો ટાઢ કે એવી મને આજલગી કોઈ દહાડો આવી નથી,