પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
सासुवहुनी लढाई
 

બેન તમારા બાપજી ખરચે નાણાં થોકરે (રોકરે) બેન જેઠડીઆં.
બેન તમારા સાસરીઆં જે બોલે તે ફોકરે. બેન જેઠડીઆં ઈત્યાદિ.

સીમંતમાં ગવાતાં ગીતોના આ નમુના છે; એવાં બીજાં પણ છે. વળી એ પ્રસંગે ગુજરાતના સર્વોત્તમ કવિ પ્રેમાનંદ કૃત્ત, હાસ્ય, કરુણા, અને અદભૂત રસોનું ભરેલું નરસી મહેતાનું મામેરૂ ગાવામાં આવે છે. એ પ્રમાણે ગમત કરવામાં સાર અસારનો કાંઈ વિચાર રાખવો અવશ્ય છે. જુઠી મોટોઈ અને જુઠાં વખાણ માણસને મીઠાં લાગે છે, પણ તેઓ વખતે મીઠાઈમાં સંતાડેલાં વિષ જેવાં થઈ પડે છે. ભાટ ચારણો મુર્ખ ઠાકોરો અને રાજાઓને બનાવે છે તેમ આપણી નારીઓ પંડે પોતાને બનાવે છે. નાના મોતીની રાખડી દોઢ બે રૂપીઆની, અને ખોટાં મોતીનો કે માગી લાવીને મોડ કરાવે, ઘર વેચીને કે દેવું કરી વરો કરે, લુગડાં ભાડે લાવે, ઘરેણાં માગી લાવે તો એ ગીતોમાં ખોટી પતરાજીના પાર નહિ. છાણાં થાપે અને છાણ વિણે પાણીનાં બેડાં લાવતાં અને લોટ દળતાં આંકોસીઆં ઉચાં આવે તેને રાણી કહે; ધેણના બાપ અને સસરાની કમાઈ એટલી હોય કે ઘરમાં વરસ દહાડાનો દાણો ભરવો મુશ્કેલ પડે, લેણદાર રોજ બારણા ઠોકે અને ગીતોમાં તેઓને લખેસરી અને કરોડપતી બનાવે. એશા ઢોંગ !! ખેર, એવા મીથ્યા અભિમાનથી, એવા જુઠ ભાષણથી આપણી રસીલી સ્ત્રીઓ રાજી થાય છે તો તેમને થવા દો; તેમને એવાં ગીતો ગાવા દો. પણ જ્યાં તેમનું બોલવું તે પાળી શકે એવું હોય, જ્યાં તેમનાં ગીતો પ્રમાણે તેઓ વર્તી શકે ત્યાં તેઓ તેમ વર્તે તો આપણા દેશની બાપડી વહુવારુઓ સુખી થાય. ગીતમાં કહે છે તેથી અર્ધ કે ચોથે હીસ્સે સાસુ નણંદો કરે તો કેટલાં બધાં દુખ ઓછાં થાય ! ગીતોમાં વહુને જુઠું લડાવે છે, ને ઘરમાં સુખે ખાવા ન દે, બેસવા ન દે, સુવા ન દે, ને દહાડો રાત દમે. ઉનાં ઉનાં ખાજાં ને ઉતરતી જલેબીની સાધર સાસુએ ગીતમાં પુરી. ઓહો શી ગપ ! ગર્ભ રહ્યાં પછી કોઈ દિવસે સુખે જમવા નહિ દીધી હોય તો અઘરણી આવ્યાં પહેલાંની શી વાત કરવી ! સુથરાં દાળભાત, સાખ, કહડી, અને ઘીએ ચોપડી રોટલીની વાસ્તવીક સાધર પુરોતો બસ છે, ને વધારે મળે તો દુધને ખાંડ મુકો. ધેણની મા તો પોતાના ગજા પ્રમાણે ભારે વાઈ દીકરીને જે ભાવે તે ખવડાવે છે. કેટલીક ચંડાળ સાસુઓ એવી હોય છે કે બીચારી ધેણને પીએર જવા ન દે, અને પોતે તેની યોગ્ય સંભાળ ન લે. ગોળા જેવડું પેટ થયું હોય તો એ આખો દહાડો કામ કરાવી તેના ડુચા કહાડે; તેની જોડે મેણાં ટુણાંનો તો પાર નહિ. પણ એવી મુંડી સાસુનાં ગીત સાંભળીને અજાણ્યું માણસ કહેશે વાહરે સાસુજી વાહ ! તને ધન છે કે તું પારકી જણી