પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
सासुवहुनी लढाई
 

અને મોતી મંગાવવાનાં છે, ને પાસેતો પાઈ મળે નહિ. બાળ લગ્નને લીધે એવું ઘણાને બને છે. રૂઢી એવી નઠારી, એવી બેવકુફી ભરેલી દેશમાં પડી છે કે વહુને લાજને લીધે જુઠું બોલવું પડે છે, ને તે જુઠાણને નણંદ લડાવે છે, અને ભાભીનાં પીએરીઓની ફજેતી કરે છે.

મેડી દાદર થકી ઉતરી ગોરીરે. પહેરોને ચીર ચંપાવર્ણી ચોળીરે.
ગોરીરે તારેને કેટલો માસરે, પેહેલોરે માસને બીજો અપવાસરે.
અંન ન ભાવે ને નીંદ્રા ન આવે, ખોળે બેસાડી પીયુડો પુછે છે વાતરે.*[૧]

ખોળે બેસાડી પીયુડો પુછે વાત ! એ દિવસ, ઓ ભગવાન ! મારા દેશીઓને ક્યારે દેખાડીશ ! આ દેશની જવાન નારીઓને એ સુખ ક્યારે મળશે ? એ થવામાં અડચણો એટલી છે કે થોડાં વરસમાં એ જોવાની આશા રાખી શકાતી નથી એવું સુખ થોડાં જોડાં જ ભોગવી શકે છે, તેનું કારણ બાળલગ્ન વગેરેની માઠી રૂઢીઓ છે. એ વિનાશકારી રૂઢીઓ છે ત્યાં સુધી એવું કેમ બની શકે ? ઘણીક વખતે વર એટલો નાનો હોય છે કે વહુને ખોળામાં બેસાડે તો પડે ચગદાઈ મરે. સ્ત્રીની અઘરણી આવે ત્યારે નાનો નાવલીઓ નિશાળે ભણતો હોય, એકે પઈ કમાતો નહોય, તેવો રઝળતો બાપડો શું કરી શકે ? પોતાની બાયડીની સંભાળ તે શી રીતે લઈ શકે. માબેન આગળ એવી નાદાન ને એવી નાદાર અવસ્થામાં તેનું શું ચાલે ?

ઘણાંક ગીતોમાં અતિ હલકી જાતની મશકરી છે. ફટાણાં નાગાં ગીતોના જેવાં બધાં નઠારાં નથી, તોપણ સુધરેલી, સુનીતિવાન, સુબોધ પામેલી નાગર જેવી ઉંચી વર્ણની સ્ત્રીઓને ગાવા જોગ તેઓ નથી. તમે ફટાણાં મુકી દીધા તો એને પણ છોડી દો. જેઓ ફટાણાં ગાય છે તેઓને તમારું દષ્ટાંત આપી સીખામણ દઈએ છીએ કે જુઓ, એ સુધરેલી સ્ત્રીઓ પોતાના કુળને, પોતાની નાતજાતને, માબાપને, સસરાને અને સ્વામીને ફટાણાં ગાઈ નીચું જોવડાવતાં નથી. આ અઘરણીનાં ગીતોથી તમને, તમારા પીઅરને, અને સાસરીને એબ લાગે છે, માટે એ નિન્દીત ગીતો ન ગાશો. ગુસાંઈ જોડે ધેણને હોળી ખેલાવી એ ફટાણું ગીત છે. વેહેવાઈને સામ સામા ઘાંચી, ગોલા, મોચી, ભંગીઆ, દેવાળીઆ ચોર વગેરે અપમાન ભરેલા શબ્દો લગાડવા એ સારૂં નહિ. એવું બોલવું એ નીચપણાનું લક્ષણ છે. સર્વે જ્ઞાતી વાળાએ આ બાબત ઘટતો બંદોબસ્ત કરવો જોઈએ. નઠારાં ગીતોથી નઠારી અસર થાય છે. એવાં ગીતોથી દુરાચારનો વધારો થાય છે. માટે ગીતો સુધારવાં જોઈએ.


  1. બાળાબેન કૃત ગીતનો સંગ્રહ