પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
सासुवहुनी लढाई
 

નાતની બાયડીઓ લાવો કહે છે. તમે તેને લાવો કેહેશો ? માટે લાવો શાને કહેવો તેનો જ વિચાર કરોને. આપણી વિવેકબુદ્ધિ જેને ખોટું ગણે તેને ન્યાતીના કે બીજા લોક લાવો માને, પણ આપણે તેમ સમજવું નહિ.

ચંદા – વાતમાં તો તમે મને બાંધી લોછો. તમારા પીતરાઈ કપટનાથ દવેના જજમાન પ્રપંચરાય દીવાન માગી લાવે છે, ને તેમનાં બઇરાં પહેરે છે. મોટા દરજ્જાના, મોટા પગાર ખાનાર છે. તે શું નાદાન હશે ? એમને ઘેર શુભ અવસર આવ્યો હતો ત્યારે કેવા કેવા મોટા દાગીના માગી આપ્યા હતા; એમના ઘરનાં બઈરાનો શો ભભકો, જાણે શાહજાદીઓ હોય છે. તમારા જેવા સુધરેલા વિચારવાળા કોઈએ કહ્યું કે માગેલાં ઘરેણાં ઘાલવાનો આ છર શો. તેનો તેને રોકડો જવાબ મળ્યો કે તમે જાઓને માગવા, જુવો તમને કોઈ એમાંનો એક દાગીનો ધીરે છે ? કોઈ નહિ આપે. એતો જેને વગસગ હોય તેને જ મળે.

દવે – મિથ્યાભિમાની છાકેલા પુરૂષ કે સ્ત્રી એવા બોલ બોલે તેમાં નવાઈ નથી. દીવાન દેવાળીઆ અને લાંચીઆ છે તે સહુ જાણે છે. જે ઓદ્દેદાર કે કારભારી એવાં નહિ હોય. ભલાને પ્રમાણિક હોય, તેમણે પણ શેઠ સહુકારાદિક ધનવાન લોકો અને જમીદારોનો પાડ પોતાને માથે ન ચડાવવો જોઈએ. ભારે કીમતના દાગીના ધીરવાની મહેરબાનીના બદલામાં ધીરનાર એવા ઓદ્દેદાર ને કારભારીની મહેરબાનીની આશા રાખે. કચેરીમાં તેમનું કામ આવે ત્યારે તેમની શરમ પડે, અને પક્ષપાત થવાનો સંભવ થાય. માટે સરકારી અમલદારોએ અજ્ઞાની બઈરાની કે બઈરાંનાં જેવાં આદમીની સીખવણી પ્રમાણે ન ચાલતાં સ્વતંત્ર રહેવું જોઈએ. સર્વે જોડે સભ્ય, અને મીલનસાર રહેવું, પણ લોકની જણસો, લુગડાં, ગાડી, ઘોડા, બંગલા વગેરે વાપરી સ્વતંત્રતા અને પ્રમાણિકપણું ખોવું ન જોઈએ.