પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૪૯
 

રાખો સદાચરણમાં ચિત ભાવનાઓ,
હે વિશ્વનાથ૦ ॥ ૧૩ ॥

હે ભક્ત વત્સલ દયા નિધિ દીન દોષો,
ક્રોધાયમાન થઈ ઈશ કદી ન જોશો;
હું દીન દાસ શરણાગતનેં નિભાવો,
હે વિશ્વનાથ ॥ ૧૪ ॥

તારૂં સદા સ્મરણ ધ્યાન કરૂં હૂં દાસ,
દ્વારે અડી નવ કરો મુજને નિરાશ;
પૂરી કરો પ્રભુ તમે મન કામનાઓ,
હે વિશ્વનાથ૦ ॥ ૧૫ ॥

કર્તવ્ય કર્મ જગમાં રહિ નાથ થાય,
નીતી સ્વધર્મ નિયમો સઘળા પળાય;
એ શુદ્ધ તારિ અતિ ઉત્તમ અર્ચનાઓ,
હે વિશ્વનાથ૦ ॥ ૧૬ ॥

વિશ્વેશ વંદ્ય વિભુ આશ્રય સત્ય તારો,
સંસાર સાગર થકી પ્રભુ નાથ તારો;
સાષ્ટાંગ નિત્ય તમને કરૂં વંદનાઓ,
હે વિશ્વનાથ૦ ॥ ૧૭ ॥

આ સુબોધ અને પ્રાર્થનાથી ચંદાનું મન શાંતિ પામ્યું હોય તેવું જણાયું. કોઈ ચમત્કારિક પ્રકાશે તેના અંતઃકરણમાં પ્રવેશ કરી ત્યાંના અંધારાને જાણે નસાડ્યું હોય તેવું ભાસ્યું. તેનુ રદય નિર્મળ થવાથી તેના વદન ઉપર જ્ઞાનનું તેજ દેખાયું. એ જોઈ રવીનારાયણ દવેએ તેના મનનો કલેશ પુરો કહાડી નાખવાને કહ્યું કે, સંતાન ન થવાને માટે જેઓ તમને નીદે છે તેઓ પરમેશ્વર ઉપર દોષ મુકે છે, અને તેથી અપરાધી થાય છે. તમારો વાંક કે ગુનો કશો નથી કેમ કે એમાં માણસનો ઈલાજ ચાલતો નથી. કુદરતી કાયદા માણસથી ફરતા નથી, તમારા શરીરની અસલ રચનામાં કાંઈ ખામી હોવાથી, અથવા પાછળથી કાંઈ વિકાર થવાથી સંતતી થતી નથી. જ્ઞાની અને ધાર્મિક માણસોના મનને એ વાત સહેજ જેવી છે. જેને માથે એવી સ્વભાવિક આપદા આવી પડે છે તેના ઉપર તેઓ દયા કરે છે, કોઈ પણ રીતે તેનો તીરસકાર કે અપમાન કરતા નથી.