પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
सासुवहुनी लढाई
 

જેઓ મૂર્ખ, વહેમી, અને દૂષ્ટ છે તેઓ એવા નિરપરાધી આદમીની હાંસી અને ધીક્કાર કરે છે, અને દુભે છે. તમને વાંજીઆનું મેણું જેઓ મારે છે તેઓ પાપી અને નર્કના અધિકારી છે, તમારે ખેદ કરવો નહિ. જે વારે વસ્તી વધારવાની જરૂર હતી તેવા વખતમાં રચાયેલા કેટલાક ગ્રંથોમાં મરણ પામેલા પિતૃને છોકરાથી થતા લાભ વિશે ગપ્પો મારી છે તેને ભોળા લોક ખરી માને છે, પણ છોકરાંથી થતો જ ફાયદો તમે ધારતાં હોય તેનાથી હજારગણો લાભ મેં તમને જે ઈશ્વરભક્તિ અને સદાચર્ણનો માર્ગ દેખાડવો છે તેથી થશે. છોકરાં થાય તોએ રાજી રહેવું, ન થાય તોએ રાજી રહેવું; ધનવાન અને નિર્ધન એ બંનેએ સંતોષી રહેવું, દીકરો જન્મે તો ખુશી થવું, દીકરી અવતરે તોએ ખુશી થવું. પરમેશ્વર જે કરે તે ઠીક કરે એમ માની તેના ઉપર ભરોંસો રાખી મનને શાંત રાખવું. મનમાં શોક ઉઠે તો તેને ધર્મજ્ઞાન વડે સમાવી દેવો.