પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
सासुवहुनी लढाई
 

પઠ્ઠણ આ વખતે કરે છે. વાંકડાના રૂપીઆ વધારેમાં વધારે ત્રણ હજાર, ઘી પચાશ મણ, અને પહેરામણી સો રૂપીઆ સુધી સાંભળી છે. આ ભારે ખરચથી નાતની ખરાબી થઈ છે, અને થાય છે. દીકરીની જાત વેરણ થઈ છે. વર તરફની કન્યાવાળાને ત્યાં જાન લઇને જાય છે. જાન ગામને પાદરે આવી કે કન્યા તરફના કેટલાક માણસો વાજીંત્ર વગેરે લઈને સામા બોલાવવા જાય છે, અને તેને સારૂ આગળથી એક ઉતારાનું ઘર તૈયાર હોય છે ત્યાં માનસહિત લઈ જાય છે. વર તરફની સ્ત્રીઓ કન્યાને માટે ઘરેણું વગેરે આપી આવે છે. સ્ત્રીની સંખ્યા વધારેમાં વધારે દશ, અને પુરૂષની સંખ્યા ગમે તેટલી હોય તો પણ કશી હરકત નથી. રાત્રે વર ઘોડે બેસી મસાલો અને પગે ચાલતી જાન સાથે પરણવા જાય છે. ઘણું કરીને ભાડે આણેલા સીપાઇઓ બંધુકો છોડે છે. વળી દારૂખાનું પણ ઉડે છે. જે વખતે વર મંડપ પાસે આવે છે, તેજ વખતે કન્યાનો ભાઈ અથવા તેનો કોઈ સગો મંડપ ઉપર ચડીને, નીચે કન્યાની ભાભી પાણીનું બેઠું લઈને ઉભી હોય છે. તેમાંથી આંબાની ડાંખળી વડે પાણી લઈને છાંટે છે. એવી રીતે છાંટવાની મતલબ આશીર્વાદ છે.

એ ક્રિયા પુરી થયા કેડે કન્યાની મા આવી વરને પોંખે છે, ને વરને કેડ બેસાડીને મંડપમાં લઈ જાય છે. મહારામાં બાજઠ ઉપર વરને બેસાડી કન્યાનો મામો કન્યાને લાવે છે. લગ્નક્રિયા પૂરી થાય છે તે વેળા વાજિંત્ર વાગે છે, અને વર કન્યા અરસ પરસ થુંકા થુંક કરી મૂકે છે, તેને તંબોળ કહે છે. કેવી ગંદી રીત ! અનાવળાને બીડીનો ધુમાડો તાણવો બહુ ગમે છે, તે જાનઇઆને હવે મળે છે. વર કન્યા પરણી રહ્યા પછી કન્યાનો ભાઈ પોતાના હાથમાં ડાંગ, અને ઓરસીઓ લઈને આવે છે. તે ઓરસીઓ ઉપર ડાંગરની સાથે વરનો પગ મૂકીને વરનો અંગુઠો ચાંપે છે તેને અંગડા ચંપામણી કહે છે. એનું દાપું કન્યાનો ભાઈ વર તરફના પાસે માગે છે. ભોગ જોગે વરનો બાપ એ દાપાના પૈસા ચુકવવામાં કંઈ કસર કરે તો કન્યાની મા એમ કહે છે કે “જો મોટો ગણદેવીની પેઢીવાળો આવિયો કે મારા પોર્યાને એક રૂપીઓ ની આપે.” કન્યાનો પીતા દાખલ થાય છે અને પોતાની સ્ત્રીને શીખામણ આપે છે કે “ચાલ રાણનો બોલ એ ની આપે તો એ હહરા નાગાની આબરૂ ઓછી. એમાં આપણે હું, ઓ હે. કેમ ગોપલા ખરું કે ની.” ગોપાળજી બોલતા નથી ત્યારે કહે કે “મારા હહરા બોલતો કેમ નથી કોઈ દાડો દાવ આવે તો [૧] કદાપિ ની બોલું.” ગોપાળજી કહે


  1. ૧, એની જગાએ બીજો શબ્દ બોલે છે. પણ હું તે લખવાને દુરસ્ત ધારતો નથી.