પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૬૫
 

કરતી નથી. જો તે વહુનું ગામમાં કોઈ સગું હોય તો તેની પાસેથી, અથવા તેમ ન બને તો પોતાને પિયરથી મુકવા આવેલા બ્રાહ્મણ પાસેથી રૂપીઆ ઉછીના લઈ ગમે તે રીતે સાસુનું મન મનાવવું જોઈએ. તે સાસુ અગાઉ રાંક, અક્કલ વિનાની ગમે તેવી હોય પણ જે દિવસથી વહુ આવી તે દિવસથી તેના મનમાં એવો અભિમાન ઉત્પન્ન થાય છે કે મારો હુકમ માને, મારા કહેવા પ્રમાણે ચાલે. વહુ જે દિવસથી ધણીને ત્યાં સંસારસુખ ભોગવવા આવે તે દિવસથી તેના પર અત્યંત દુઃખ પડે છે, તેને શક્તિ ઉપરાંત કામ સોંપે છે. હવે તે શક્તિ ઉપરાંત કામ બિચારી અબળા શી રીતે કરી શકે ? અને એવી રીતે તે કામ જ્યારે તેનાથી નહિ થઈ શકે ત્યારે સાસુ કહે છે કે “મોટી પેઢીવારાની પોરી આવી કેની. જો મોટી ભાયગવાનની પૂંછડી, પીયર તો કાંઈ ફુલ ગુંથીને આવેલી ઓહેની, હાથે કામની થાય તો એક દુબરી નીતો કોરણ કેમની લાવી. મુઓ તારો બાપ તો ભાયગવાન તેવોજ. અનને ને દાંતને તો વેર ને વરી રાંધે વાલ તો મીઠુંઓની મરે. કામ થાય તો રે નીતો ચાલી જા. જો આ મોટો રસ્તો, ને હંગાથ જોતો તે હૌ કરી આપું, મારા પોર્યાને અમથો ફાંહમાં લાખ્યો એવું જાણે તેતો પણાવતેઓ ની” ઈત્યાદી. એ પ્રમાણે સાસુ બડબડાટ કર્યા કરે છે. વહુ ઉપર પ્રમાણે સાસુના અત્યંત ઠપકાથી અને વળી અબળા જાત તેથી તે દીલગીરીમાં ને દીલગીરીમાં પોતાના દહાડા નિર્ગમન કરે છે. વખતે તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થાય છે. કે “જો હું ભાઠેલાને ત્યાં પરણી હોત તો ઘણું જ સારું થાત. બર્યું આ દેશાઈનું ઘર.” બિચારી નિરાશ થઈ પીયર જવાનો વિચાર કરે છે. તે જ વખતે તેને પોતાની ભાભીનાં મારેલાં મહેણાં યાદ આવે છે. તેથી પાછી નિરાશ થાય છે. આ વખતે તેની ઉંમર ઘણું કરીને સત્તર વર્ષની હોય છે, અને તેના સ્વામીની ઉંમર દશ બાર વર્ષની અથવા તેથી થોડી વધારે હોય છે. તે બિચારો દશ વર્ષનો સંસારી બાબતમાં શું સમજે? ભાઈ પરણેલા ત્યારે ઘણું કરીને પાંચ વર્ષના એટલે તે વખતની કોઈ પણ બીના બરાબર યાદ રહેલી ભાગ્યે હોય. તેનો સ્પષ્ટ પુરાવો મારા અનુભવમાં આવેલા ઉદાહરણ ઉપરથી માલમ પડશે. એક સ્ત્રી પરણી તે વખતે ઉમરે દશ વર્ષની હતી અને તેના સ્વામીની ઉમર ચાર વર્ષની હતી. તે સ્ત્રી આઠ વર્ષ પછી એટલે પોતાની હરાડ વર્ષની ઉમરે અને સ્વામીની બાર વર્ષની ઉમરે સુપડે આવી હતી. એ સ્ત્રીએ જ વખતે પોતાના સ્વામીના ઘરમાં પ્રવેશ કર્યો તે વખતે તેનો સ્વામી હાજર નહોતો. હવે પરણ્યાં ત્યારથી તે આજદિન સુધીનાં સ્ત્રી પુરૂષની ઉમર ફક્ત ચાર વર્ષની હતી માટે તે વખતનું