પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
सासुवहुनी लढाई
 

વમળના પાસા નંખાવ્યા, જોશ જોવડાયા; જોશીએ કહ્યું કે બુધ નડે છે ને છોકરાં થવા દેતો નથી, ત્યારે તેનો જપ કરાવ્યો, ને બુધશાન્તી કરી બ્રાહ્મણ જમાડ્યા; મહિના સુધી ગોરજીનું મંત્રેલું પાણી પાયું. તે તો તમે જાતે જઈ દહાડી લાવતા તે ભુલી ગયા? તમે રસ્તો દેખાડ્યો તે રસ્તે ચાલું છું. આ છ મહિના થયાં ડહાપણ આવ્યું હશે. બે વરસપર પેલા હરિહરાનંદ સન્યાશીએ છેતર્યા. “ओम शीतळाय नम: महा शताय नम:' એ મંત્ર સવાલાખ વખત જપાવ્યો ને વળ્યું ત્યારે કાંઈ નહીં. મફતના પંદર વીશ રૂપીઆ ખાઈ ગયો. રડ્યાએ એક સોપારી આપી, ને કહે ચાલીશ દિવસ એની પૂજા કરજો, ને જો રૂવાંટી ન ઉગે તો જાણજો કે તમારું કામ થશે. રૂવાંટી ઉગીને કામ તો કાંઈએ ન થયું. ત્યાર પછી મેં એક બીજી સોપારી લઈ પાણીમાં નાંખી મુકી તેને પણ રૂવાંટી ઉગી. એવો ઢળ્યો ઠગ. આ સાંઈ તો બહુ સાચો માણસ છે. પેલો તમારો માધ્વાનંદ મહારાજ આવ્યો હતો તેવો નથી.

વી. – માધ્વાનંદ કયો ?

ચંદા – વળી ક્યો તે અશ્વનિકુમારની ધર્મશાળામાં આવી રહ્યો હતો તે બેઠોબેઠો પારથિવ કરતો ને કહેતો કે બ્રાહ્મચારી છું. કુબેર મુખતારે બ્રહ્મપોરી બંધાવી આપી, ને પછી પાછળથી તેની બે બાયડીને પાંચ છોકરાં આવ્યાં. એ મુઆએ અમદાવાદમાં સો બસો મનીશને દેવીને નામે દારૂ પીતા ને માંસ ખાતા કર્યા હતા.

વી. – એની પાસેતો મહેતામાંથી જતાં, આપણામાંથી કોઈ જતું નહીં.

ચંદા – નહીં તે કેમ, પેલા ચાડીઆ પંડ્યા, મઉશંકરને બીજા ઘણા. તમે મને તેડી ગયા હતા.

વી. – એમાંનું કોઈ મલેચ્છ નહતું. આપણા લોકના ઉપાય હોય તે કરીએ.

ચંદા – તાબુતની માનતા રાખે છે તે આપણા ઉપાય કે ? ઈછાશંકર પાઠેકના છઈઆને હરવરસે નાડાછડી પહેરાવી ફકીરી લેવડાવે છે. તાબૂતમાં ઘણાએ બ્રાહ્મણ વાણિયા એલચીદાણા કે ધાણી નાંખે છે. મારે સારૂ તમે પેલા સઇએદ પાસે હાજરાત ભરાવી તે તમારો સગો લાગતો હશે નહીં વારૂં ?

વી. – તારો ભાઈ થાય. રાંડ તરકડી થઈ જા. નાચેણના જેવું બોલતાં કેવું આવડે છે.