પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
સાઠીનૂં વાઙ્ગમય.

રાજાo ( કાન ઢાંકી દૈને ) દૂર આ પાતકી વાણી !

મલિન નામ રૂડું કરવા, પતિત વળી મુજને, તું ક્યમ ઇચ્છે ?
મર્યાદા તોડંતી જ્યમ નિજ જલ વળી તટ તરૂને સરિતા. ૨૧

શકુંo વારૂ, જો ખરે જ પરસ્ત્રી છું એવી શંકાને લીધે ત્હમે આમ વર્ત્તો છો, તો આ અભિજ્ઞાન વડે ત્હમારો સંશય ટાળીશ.

રાજાo બહુ રૂડી વાત.

શકુંo (વીંટીના સ્થલને અડકીને) હાયરે ! આ આંગળીએ વીંટી તો નથી જો !

ગૌતo ખરે ત્હારી વીંટી શક્રઘાટમાં શચીતીર્થનાં જલને વંદન કરતાં સરી પડેલી.

રાજાo (સસ્મિત) આ તો જેને સ્ત્રી જાતની તુરત બુદ્ધિ કહે છે તે.

શકુંo એ તો દૈવે પોતાનું બલ દેખાડ્યું. ત્હમને બીજું કહું.

રાજાo ઠીકસ્તો. હવે સાંભળી ર્‌હેવાનું આવ્યું.

શકુંo જુવો, એક દિવસ જૂઈના માંડવામાં ત્હમારા હાથમાં કમલપત્રના દડિયામાં પાણી હતું.

રાજાo હાં ચલાવો.

શકુંo તે ક્ષણે મ્હારો દીર્ઘાપાંગ નામનો પુત્રક બાળુડો હરિણ આવ્યો. એના ઉપર ભાવ આણી "ભલે આ પ્હેલો પીએ" એમ કહી ત્હમે એને પાણી દેખાડી પાસે આવવા પટાવ્યો. પણ ત્હમારો પરિચય નહીં એટલે એ ત્હમારા હાથમાં ન જ આવ્યો. પછી એ જ દડિયો મ્હેં હાથમાં લીધો એટલે એમાંનું પાણી એણે પ્રીતિથી પીધું. ત્યારે ત્હમે હાસ્ય કર્યું કે "સૌ પોતાના જાતિભાઈનો વિશ્વાસ કરે, ત્હમે બંને રાની વનચર ખરાં કની !"

રાજાo આપમતલબી બૈરીઓની આવી આવી ખોટી પણ મધ જેવી વાણી વડે વિષયી પુરૂષો આકર્ષાય છે.

શકુંo (ગુસ્સાથી) અનાર્ય, પોતાની જ જાત ઉપરથી ક્યાસ કરો છો ? ધર્મનો વેશ ધરનાર ઘાસથી ઢંકાયલા કુવાના જેવા ત્હમારી માફક તે બીજું કોણ વર્ત્તતું હશે !