પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
સાઠીનૂં વાઙ્ગમય.

પ્હેલોજ પુત્ર ચક્રવર્ત્તી નીવડશે. આ મુનિદૌહિત્ર ચક્રવર્ત્તીનાં લક્ષણવાળો જણાશે તો આ બાઇને સત્કારપૂર્વક અંતઃપુરમાં સ્વીકારી શકશો; અને જો ઉલટું બનશે તો તો એમને એમના પિતા પાસે જવાનું જ પ્રાપ્ત થવાનું.

રાજાo જેવી ગુરૂની ઇચ્છા.

પુરોo પુત્રી, મ્હારી પાછળ આવ..

શકુંo ભગવતી વસુંધરા, મ્હને માગ આપ !
રોતી રોતી ચાલવા માંડે છે, પુરોહિત અને તપસ્વીઓની સાથે જાય છે. શાપથી સ્મૃતિમૂઢ થયલો રાજા શકુંતલા વિષે વિચાર્યા કરે છે.

———♦———

મહાકવિ કાલિદાસે જ ઉતાવળમાં લખેલા, શાકુન્તલથી ઉતરતા પરન્તુ મનહર, 'વિક્રમોર્વશી ત્રોટક'નું ભાષાન્તર આજથી આશરે બેંતાળીશ વર્ષ ઉપર રા. રા. રણછોડભાઇ ઉદયરામ તરફથી પ્રથમ જ પ્રજા સમક્ષ મૂકવામાં આવ્યું હતું. વયોવૃદ્ધ વિદ્વાન્ રણછોડભાઈનો નાટકો તરફ પક્ષપાત સઘળી ગુજરાતી પ્રજાને વિદિત જ છે. પોતાના અનુવાદમાં–મૂળ સંસ્કૃત નાટકોમાં નહોતાં–'પ્રવેશ' દાખલ કરીને તેને વધારે સારી રીતે ભજવી શકાય એવો બનાવ્યો છે. ભાષા સરળ હોઈ સઘળા સમજી શકે એવી છે. પોતાની શૈલી એમણે સરળ યોજી છે. જૂના અપ્રચલિત હરિણી, વંશસ્થ, પૃથ્વી જેવા સંસ્કૃત છંદોને ઠેકાણે કવિત, ચોપાયા, રોળા, હરિગીત જેવા ચાલુ ગુજરાતી છંદો દાખલ કરીને લોકની રૂચીને અનુસર્યા છે. એમણે આધાર તરીકે સ્વીકારેલો મૂળ પાઠ દોષવાળો, ભ્રષ્ટ અને ક્ષેપક ભાગથી ભળેલો હોવાથી ભાષાન્તર ઝાંખું અને ભૂલભરેલું નીવડ્યું છે.

એજ ત્રોટકનું બીજું ભાષાન્તર બારેક વર્ષ ઉપર રા. કીલાભાઇ ઘનશ્યામ ભટ્ટે પ્રગટ કર્યું હતું. આ ભાષાન્તરમાં પાઠશુદ્ધિ ઉપર પહેલવહેલું લક્ષ આપવામાં આવ્યું છે. તેની સાથે પદ્યભાગ બનતા સુધી મૂળનાં જ વૃત્તમાં ઉતારવામાં આવ્યો છે. ઉત્સાહી લેખકને છાજતો શ્રમ એમાં ડગલે ડગલે દૃષ્ટિએ પડે છે. પરંતુ ઉત્સાહના વેગની સાથે ઔચિત્ય ઉપર જે લક્ષ રહેવું જોઇએ, સંગત જાળવવા જે સાવધાનતા વાપરવી જોઇએ,