પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫
સાહિત્ય.

મૂળના બંધનું માધુર્ય ગુજરાતી પદ્યમાં આણવા જે કુશળતા યોજવી જોઇએ, તેની આ ભાષાન્તરમાં ન્યૂનતા છે.

ઉક્ત બંને ભાષાન્તરો ભાષામાં છતાં થોડાંક જ વર્ષ ઉપર 'વનમાળી' તખુલ્લુસથી કોઇ વિદ્વાને આ ત્રોટકનો ત્રીજો અનુવાદ પ્રજા સમક્ષ મુક્યો છે. આ ત્રીજો અનુવાદ એવો સરસ છે કે એનું વિવેચન કરવાની અમને ઇચ્છા થાય છે. આ આનંદમય કાર્ય અમે સહજ વિગતે કરીશું. 'વનમાળી' ને તેમની શક્તિ અને તેમણે ભાષાન્તર કરવામાં મેળવેલા જય સારૂ અમે અભિનંદન આપીએ છીએ. વિવેચન અને સરખામણીમાં અમે માત્ર રા. કીલાભાઇના જ અનુવાદની વાત કરીશું.

પ્રવેશ કરતી અપ્સરાઓ 'જેને દેવ વ્હાલા હોય તે અબળાઓની વ્હારે ધાઓ' એવું કહે છે. પુરૂરવ તેમને 'આક્રંદ મા કરો' વગેરે બોલથી ધારણ દે છે. વનમાળીના આ અનુવાદમાં કાલિદાસની મૂળ ઉક્તિની સરળતા, સ્વાભાવિકતા અને સમર્થતા બરાબર જળવાઇ છે, ને કવિનો ભાવ મનપસંદ રીતે પ્રદર્શિત થયો છે. એ જ પ્રસંગની કીલાભાઇની ઉક્તિઓ લો. એઓ અપ્સરાઓને મુખે “દેવતાઓનો પક્ષ લેનાર અમારૂં રક્ષણ કરો” અને પુરૂરવને મુખે 'બહુ થયું, બહુ થયું, આક્રંદ કરવું જવા દ્યો’ વગેરે બોલ કહેવડાવે છે. એમાં શબ્દાર્થ ખરો છે પણ ભાવ પલટાઈ ગયો છે. ક્યાં સાત્ત્વિક પવિત્ર પ્રેમ અને ક્યાં રાજસ્ પક્ષપાત ? ક્યાં વ્હાર અને ક્યાં રક્ષણ ? 'આક્રંદ મા કરો' એ બોલમાં ધીરજ આપવાનો ભાવ સમાયો છે. 'બહુ થયું, બહુ થયું' વગેરેમાં ન્હાના હઠીલા બાળકને રડતું છાનું રાખતાં જે ધમકી અપાય છે તેના જેવો ભાસ રહ્યો છે. વનમાળી પાત્રના હૃદયમાં ઉતરી તેમના ભાવનું પ્રતિબિમ્બ આપવા પ્રવૃત્ત થાય છે. કીલાભાઇ તેમના મુખમાંથી નીકળતા શબ્દો ઝડપી લેઈ તેનો પ્રતિધ્વનિ આપવાનું કરે છે. પુરૂરવ ઉર્વશીને છોડાવી લાવવાને નીકળે છે તે વખતે અપ્સરાઓને વિશ્વાસ આપનારાં જે વચન કહે છે તે કીલાભાઈના ભાષાન્તરમાં નીચે પ્રમાણે છે:—

'રાજાo ત્યારે વિષાદ કરવો જવા દ્યો, હું તમારી સખીને પાછી લાવવાનો પ્રયત્ન કરું છું.’