પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વર્ષ ઉપર પણ ‘ક્યારનુંએ’ છોડી દીધું હતું. માસિકો ઉપર ઉપરથી ત્યારે અને હાલ પણ વિવેચન કરે છે પણ સ્વતંત્ર મોટા ત્રિમાસિક વિવેચનની ખરેખાત જબરી ખોટ છે.

કેટલાક કહે છે કે આ પુસ્તકવૃદ્ધિમાં જેને સારાં જ ગણીએ એવાં પુસ્તકો ઓછાં છે, એ વાત ખરીએ હશે. પણ એવી વસ્તુ સ્થિતિમાં ‘સારાં પુસ્તકો નથી,’ ‘સારાં પુસ્તક નથી’ એમ કહીને રડવા જેવી અમારા મનની સ્થિતિ નથી. ગમે તેવી સ્થિતિમાં પણ આશા, શુભ થવાની જ સંપૂર્ણ–બળવાન આશા, અને જે મહાનશક્તિ સઘળી વસ્તુ સ્થિતિ નિર્માણ કરે છે તેની સર્વદા શુભ કરવાની જ ધારણા ઉપર અને ગુણ ઉપર તેવો જ સંપૂર્ણ બળવાન વિશ્વાસ, એ અમારાં વિશિષ્ટ લક્ષણો હોઇને ગૂજરાતી ભાષાનું ભવિષ્ય અમને સુંદર અને તેજસ્વી જણાય છે.

હિંદુસ્થાનની સનંદી નોકરીવાળા કલેક્ટર મી. જે. ડબલ્યુ–વેર સાહેબ ગુજરાતી ભાષાના ખરેખરા ભક્ત હતા. ગુજરાતી ભાષાનું એમનું જ્ઞાન, ગુજરાતી ભાષાપર એમની પ્રીતિ અને એની ચઢતી તરફ એમનો પ્રયાસ અગાધ અને સાનંદાશ્ચર્ય ઉપજાવે એવો હતો. આવું પુસ્તક રચાયલું જોવાની એમની ઉત્કંઠા હતી. એટલું જ નહિ, પણ કાંઈક સંકલ્પ ધરાધરી કર્યો હતો. આવા એક ભાષા ભક્તના અકાળ અવસાનથી એમણે આદરેલો સબળ પ્રયત્ન પડી ભાગીને ગુજરાતી સાહિત્યને ખોટ ગઇ છે તેની દીલગીરી સાથે નોંધ લેવી જરૂરી જણાય છે.

આ પુસ્તકને અંગે ઘણા મિત્રોને તસ્દી આપવી પડી છે. તેમનો અને તેમાં એ ભાઇશ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવનો ઉપકાર માનવો ઘટે છે. આ પુસ્તકમાં માત્ર દિગ્દર્શન જ છે છતાં તેમાં ઘણી અપૂર્ણતા અને ખામીઓ હશે, તેમજ છાપવામાં નજરચૂક થઈ હશે. થોડી મુદતમાં બીજી આવૃત્તિ નીકળશે તે વખત મિત્રોની જે જે સૂચનાઓ થશે તે ઉપર વિશેષ લક્ષ આપીશું. હાલ તો અમારા દોષને માટે ક્ષમા જ મળશે એવી વાંચ્છના છે.

ગૂજરાતી સાહિત્યનો સર્વાંગે વિસ્મયકારક વિકાશ થશે એટલુંજ માત્ર હૃદયથી ઇચ્છી વિરામીએ છીએ.

———•———