પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
સાઠીનૂં વાઙ્ગમય.

માત્રાદોષ આવી ગયા છે, તે કાનને ત્રાસપ્રદ છે એમાં શક નથી. નવી જાતની લાવણી ઠેકાણે ઠેકાણે દાખલ કરી છે. લાવણી બોલની સાથે જ કાંઇક અમુક તરેહની જુગુપ્સા જોડાયલી છે. અને સંસ્કાર આપીને ‘લાવણ્યમયિ’ કરીએ તોપણ એ બંધ અમને તો અરૂચિકર લાગે છે. ભાષા એકંદર સુંદર અને લાલિત્યવાળી છે. કેટલીક જગાએ જરૂર વના કઠણ સંસ્કૃત શબ્દો રાખ્યા છે. ‘અંતર્વ્યાકુલવિદ્યુદંબુદસમો’ અને ‘લોલોલ્લોલક્ષુભિત કરણોદ્વેગ’ એ તો સંસ્કૃતમયી ગુજરાતીની પરાકાષ્ટા છે. ભાષાને સંબધે ભાષાન્તરમાં મોટામાં મોટો ગુણ આત્મગ્રંથ જેવી સરળતા એ જ છે.

દણ્ડકાના પ્રદેશના વર્ણનનો મણિલાલે લખેલો કટાવ આ ભાષાન્તર વિષે સમગ્ર અસર તથા એકંદર અભિપ્રાય બતાવનાર ઠીક પ્રતિમા છે. "કો કો ઠામે, સ્નિગ્ધ રમ્યને, નયન હસાવે' તેમ જ 'કો કો ઠામે, રૂ૫ ભયંકર, ધારી કર્કશ, દેતિ ત્રાસ બહુ’ એવી આ ભાષાન્તરમાં પણ જૂદી જૂદી ભૂમિઓ છે. ગમે એમ હોય પણ એ સાક્ષરે આ અપૂર્વ નાટકના ભાષાન્તરથી ગુજરાતી સાહિત્યમાં એક રસભર્યું નાટક ઉમેર્યું છે. શાકુન્તલની પેઠે આ અપૂર્વ નાટકનાં બીજાં ભાષાન્તરો થયાં નથી.

આ લખતી વખતે જ આ નાટકમાંહીના ચિત્રદર્શનના મનોહર પ્રસંગનું એક બીજું ભાષાન્તર અમારા જોવામાં આવ્યું છે. મૂળ પ્રસંગની પેઠે એ ભાષાન્તર પણ ઘણું જ મનોહર છે. ભવભૂતિની બાનીનું યથાયોગ્ય ચિત્ર એમાં આપ્યું છે. આ છૂટક પ્રસંગનું ભાષાન્તર કરનાર વનમાળી તખુલ્લુસધારીએ આખા નાટકનું ભાષાન્તર નથી કર્યું એ શોચનીય છે. ‘ચિત્રદર્શન’ સન ૧૯૦૯ ના 'સમાલોચક' માં છપાયું છે. ખરી રીતે ચિત્રદર્શનના એ ભાષાન્તરની નોંધ લેવાનું અમારી પ્રતિજ્ઞાની બ્હાર છે છતાં એની ખુબી વડે ‘ઉત્તરરામચરિત'ની નોંધ લેતાં પડછે એને મુકવાની લાલસા અમે અટકાવી શકતા નથી, એ જ અમારો બચાવ છે. અમે એ પ્રસંગ આખો ન ઉતારતાં તેમાંથી જેટલો ભાગ ઉતારી લઇએ છીએ તે ભાગ મૂળમાંથી તેમ જ રા. મણિલાલના ભાષાન્તરમાંથી વાંચીને આની જોડે મેઢવી જોવાની અમારા વાંચનારાઓને વિનતિ કરીએ છઈએ.