પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
સાઠીનૂં વાડ્ઃગમય.

પ્રયોજન, સ્વાભાવિકતા, બુદ્ધિ, રસિકતા, ચાતુર્ય, અનુભવ, અપૂર્વતા અને અંકુશ વગરનો હાસ્યરસ એકલાં મરચાંના ભોજન જેવો જ છે.

મો. મોલિયરના નાટકમાં હલકાં પાત્રો છે. હલકી બુદ્ધિના લોકને ઉપદેશ કરવો એ તેનો ઉદ્દેશ છેઃ અને તેવો જ ઉદ્દેશ ગુજરાતીમાં રૂપાંતર કરનારે રાખ્યો છે, તે પણ સન ૧૮૬૭ ના આપણા દેશકાળને યોગ્ય જ છે. ઉચ્ચવર્ગના વિદ્વાનોને એ ગ્રંથ નિરસ પડે તેમ નથી. કારણ નાનાં છોકરાંના હાસ્યથી મોટાં કાંઈક આનંદ પામી શકે છે અને એમની સ્થિતિ સમજવાને વધારે શક્તિમાન થાય છે.

'ભટનું ભોપાળું' અસલ ગ્રંથ પેઠે નાટક રૂપે જ છે, અને એમાં અસલ ગ્રંથનો ઉદ્દેશ અને તેની સંકળના જોઈએ તેટલી સચવાઈ છે. યૂરોપિયન દેશાચાર આપણા દેશમાં નથી તેને ઠેકાણે આપણા દેશાચારનું આવાહન યોગ્ય રીતે થયું છે. યુરોપમાં મોટી વયની કુંવારી કન્યા ગમે તેની સાથે લગ્ન કરે અગર પ્રતિબંધ આવતાં તેની સાથે નાશીએ જાય. આપણા દેશમાં બાળલગ્ન હોવાથી એ અસંભવિત છે. તેમ છતાં કેટલીક નાતોમાં વધારે મોટી કન્યાના વધારે પૈસા ઉપજાવવાની રૂઢિ છે. અને તેવી નાતમાં ચંદા, નથ્થુશા, ઝુમખાશાહ મળી આવે એવું છે; મોટી થયેલી કન્યા ચંદાની પેઠે મુંગી થઈ બેસે તો તેમાં નવાઈ જેવું નથી.

'ભટનું ભોપાળું ' છપાતાં પહેલાં કવિ નર્મદાશંકરે વાંચ્યું હતું અને એનો હાસ્યરસ ખરો નથી એવા કવિના આક્ષેપના ઉત્તરમાં સ્વ. નવલરામે એમને એક કાગળ લખ્યો હતો, જેનું ખોખું 'નવલગ્રંથાવળિ' માં છપાયું છે. "કવિ તમે હાસ્યરસ સમજતા નથી" એમ સ્વ. નવલરામ લખે છે. કવિને ટોણું મારનાર પોતે અધિક ચતુરાઈ દર્શાવશે એમ લક્ષી અમે 'ભટના ભોપાળા' નો વિચાર કરીશું.

નાટકનું સ્થળ સુરત જીલ્લો છે, અને આ નાટક હાસ્યરસપ્રધાન છે એ જોતાં ઉભય પ્રસંગનો સંયોગ પ્રથમ દર્શને જ યોગ્ય લાગી જાય છે. કાઠીઆવાડ, સુરત અને અમદાવાદ એ ગુજરાતનાં ત્રણ અંગો છે. પરંતુ સુરત જીલ્લો રંગીલો છે, બીજા ભાગ નથી. જેમ મનુષ્ય માત્રને અન્ન