પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭
સાહિત્ય.

વિના ચાલતું નથી તેમ ખાનગી અથવા બહારના સંસારમાં સુરતી પ્રજાને ઘણું ખરૂં મશ્કરી અને ટોળ સિવાય ચાલતું નથી. 'ભટના ભોપાળા' માં તેમ સુરતમાં પણ મનસા વાચા કર્મણા મશ્કરી કરવા કરાવવાનો પ્રચાર સવિશેષ છે. તેમાં એ પ્રાકૃત મશ્કરી કરવી અને તેની લ્હેજત ભોગવવી એ ત્યાંના જ વતનીઓ સમજે છે. પારસી પ્રજાનો ટિખળી સ્વભાવ પણ સુરતના જ સહવાસે આવ્યો હશે. મૂળ ઈરાનના પારસીઓ તો ગંભીર છે. ગુજરાતના પ્રસિદ્ધ ગ્રંથોમાં પ્રથમ હાસ્યરસપ્રધાન ગ્રંથ 'ભટનું ભોપાળું' છે. તેનું અને રૂપાંતરકારનું સ્થળ સુરત છે. ઉત્તર ગુજરાતનો વતની તેમાં આવો અને આટલો હાસ્યરસ ભાગ્યે જ ભરી શકત. ઉત્તર ગુજરાતના વતનીઓ વડે ઘણાએ ગ્રંથ લખાયલા છે, પરંતુ હાસ્યરસના ગ્રંથો ઘણુંખરૂં સુરતના વતનીઓના જ છે. શિવકોરભટાણી અને ભોળાભટના જેવી વઢવાડો સાથે નથ્થુશા અને ઝૂમખાશા જેવાઓ લે છે તેવી છૂટ અને બીજા સર્વ ચિત્ર સરતનાં જ વતની છે. તેમનો હાસ્યરસ જોઈ અમદાવાદીઓ હસશે, પણ તેનો સ્વાદ સુરતીઓ લે તેટલો અમદાવાદીઓ નહિ લેઈ શકે. ઉત્તર ગુજરાતમાં હાસ્યરસના પુસ્તકમાં મુખ્ય કવિ દલપતરામનું 'મિથ્યાભિમાન નાટક' છે. પણ તેનો હાસ્યરસ નૈસર્ગિક નહિ પણ કૃત્રિમ અને પ્રાસંગિક છે, એ વિષે અમો આગળ યોગ્ય જગાએ કહીશું. પ્રેમાનંદે કૃષ્ણ પાસે સુદામાને અને રુક્મિણી પાસે કૃષ્ણને કહેવડાવ્યાં છે એવાં નર્મ વાક્યમાં અને નરસિંહમહેતાના મામેરામાં છે તેવાં મર્મ વાક્યમાં ઉત્તર ગુજરાતની પ્રવિણતા છે. એ દેશને સુરતની પેઠે 'ખડખડ’ હસવું આવડવાનું જ નથી. મશ્કરી પુરેપુરી કેમ કરવી, લ્હડતાં લ્હડતાં હસવું શી રીતે, હસતાં હાડ કેમ ભાગવાં, મારમાં પણ પ્રીતિ કેમ ગણી લેવી, રોતાં રોતાં કેવી રીતે હસી પડવું, અપમાન અને ગાળોને મશ્કરીમાં કેમ લેખવવાં એ અને એવા અનેક પ્રસંગોથી "ભટનું ભોપાળું" ભરપૂર છે, અને ઠેકાણે ઠેકાણે એમાં આ પ્રસંગોમાં ફરકતો હાસ્યરસ ઉભરાઈ જાય છે. ચિત્ર કહેવતોના ભંડાર અને ઢોંગસોંગના સંગ્રહસ્થાન જેવો આ ગ્રંથ છે, અને એવા વિષયોમાં શોધકબુદ્ધિ કેમ પ્રવર્ત્તે છે તેના અવલોકનથી જ હાસ્યરસ ઉભરાશે. ખરી વાત છે કે આ સર્વ મૂળ ગ્રંથનું પ્રતિબિમ્બ છે. પણ પ્રતિબિમ્બ ધારણ