પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
સાઠીનૂં વાડ્ગમય.

કરવા માટે પણ બહુ જ શ્રમ લીધો છે. કાળનિર્ણયમાં એમણે ઉઠાવેલા પૂર્વ પક્ષનો રદીઓ ડા. ભાણ્ડારકર તરફથી ઘણાં વર્ષો થયાં તોએ બ્હાર પડ્યો નથી.

મૂળ નાટકનું વસ્તુ ઐતિહાસિક છે એ અમે કહી ગયા. ચાણક્યની નીતિ કુટિલ છે અને શ્રી વિશાખદત્તે નાટકમાં તેનું તાદૃશ ચિત્ર ખડું કર્યું છે. પરંતુ કુટિલ નીતિ છતાં આ નાટકમાં કોઈ વ્યક્તિના લોભ, લાભ કે કામની તૃપ્તિનો હેતુ નથી. ધન અને બળના મદમાં અંધ થયેલા જુલમગાર નંદને પદચ્યુત કરીને તેની ગાદીએ લાયક રાજાને બેસાડવો એવો ઉચ્ચ આશય છે. નીતિ ખુની છતાં ખૂનરેજી અટકાવનાર છે. આખા રાજ્યફેરફારમાં લોહીનું એક ટીપું ધરાધરી પડ્યું નથી. વસ્તુ અને વસ્તુસંકલના સચોટ હોઇને કાર્યવેગ ઘણો ત્વરાયુક્ત ચાલે છે. એટલી અને એવી ત્વરા છે કે વાંચતાં વાંચતાં આપણે પણ પાત્રમંડળમાં પ્રવેશ કરીને જાણે ભજવતા હોઈએ એવું ભાસે છે. શુદ્ધ ભાષાન્તર, વિદ્વત્તાભરેલી ટીકા, પશ્ચિયાત્ય પાંડિત્યના ધોરણપર લખેલી સમર્થ પ્રસ્તાવના, અને એ બધાની સાથે પોતાની સરળ પ્રાસાદિક ભાષા વડે રા. ધ્રુવે આ નાટક વિદ્યાર્થીથી માંડીને વિદ્વાનો ધરાધરીને મનન કરવા જેવું બનાવ્યું છે.

આ જ નાટકનું બીજું એક ભાષાન્તર ભાવનગરમાં થયું હતું પણ તેના વિશે કશું લખવા જેવું નથી.

મનોવિકારો અને ષડ્‌રિપુઓને પાત્ર બનાવીને લખાયલા સુંદર 'પ્રબોધ ચંદ્રોદય નાટક’ નો ગુજરાતી અનુવાદ પણ આ સાઠીમાં થયો છે. સદ્ધર્મનો બોધ આપતાં જુદાં જુદાં પંથોના ભોપાળાં વિવેકમાં રહીને આ રૂપકમાં કાઢ્યાં છે. અનુવાદ રસભર્યો અને સારી ભાષામાં લખાયો છે. આજ પ્રબોધ ચંદ્રોદય નાટકનું બીજું ભાષાન્તર સ્વ. રા. વલ્લભજી હરિદત્ત આચાર્યે કર્યું છે. પણ એ અનુવાદ વિષયે કાંઈ કહેવા જેવું નથી.

માલવિકાગ્નિ મિત્ર નાટક, નાગાનંદ નાટક, અને વેણીસંહાર નાટક વગેરેનાં પણ ભાષાન્તર આ સાઠીમાં જ થયાં છે.