પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
સાઠીનૂં વાઙ્ગમય.

અને મૂળનો સેક્સપીઅરનો રસ ધારણ કરી શકતી નથી. અંગ્રેજી રૂઢ વાક્યોના શબ્દશઃ તરજુમા ગુજરાતીમાં મૂળનો ખુબીદાર ભાવ આણી શકતા નથી. બીજાં નાટકો કરતાં ‘ચંદ્ર–રમણ’ જે પ્રતિકૃતિ રૂપ છે તે ઠીક થયું છે; જો કે એમાં પણ મૂળ વસ્તુ ઇંગ્રેજીમાંથી લીધેલું છે એ વાત એની શૈલીપરથી સહજ જ દૃષ્ટિગોચર થાય છે.

ગુજરાતી નાટકનો આરંભ કરનાર તો રા. રા. રણછોડભાઇ ઉદયરામ જ છે. સન ૧૮૬૧ માં તેમણે ‘જયકુમારીનો જય’ નામનું નાટક લખવા માંડ્યુ; અને સન ૧૮૬૨ માં કડકે કડકે બુદ્ધિપ્રકાશમાં પ્રસિદ્ધ કર્યું. આ નાટક સને ૧૮૬૫ માં પુસ્તકના આકારમાં ‘જયકુમારી વિજય નાટક’ એ નામે બહાર પડ્યું. એ પુસ્તકની પ્રસ્તાવનામાં તેઓ લખે છે કે ‘ભવાઈ ઉપર અભાવ ઉપજવાથી પ્રથમ મારૂં લક્ષ નાટક ઉપર ગયું, અને મનમાં એમ આવ્યું કે નાટક વિષય પણ ગુજરાતી ભાષામાં ખેડાવો જોઈએ. આ વિષય ઘણો અઘરો છે, તેથી સામાન્ય સમજણવાળા લોકનું મુખ તેમાં થવું કઠિણ છે; માટે પ્રાચીન અને અર્વાચીન વિદ્વાનોનાં નાટક આપણી ભાષામાં પ્રસિદ્ધ થવા માંડે, તેના અગાઉ ઉપરના પ્રકારના લોકોને તેમાં કાંઈ પણ પ્રવેશ થવાને સાધન મળે એટલા માટે મેં આ પુસ્તક લખવાનું આરંભ્યું;’ અને આ કારણથી તેઓ પ્રસ્તાવનામાં લખે છે કે, કુશળતાથી લખાયલા નાટક સરખી વસ્તુ, નાયક અને રસભેદની રચના ન કરતાં સામાન્ય લોકોને સમજણ પડે એવો વિસ્તાર તેમણે પુસ્તકમાં કર્યો છે. એ પુસ્તકમાં નાન્દી, સૂત્રધાર અને નટીનાં ભાષણ વગેરેથી સંસ્કૃત નાટક સરખો આરંભ કર્યો છે. પણ તે પછી સંસ્કૃત નાટકોનો નમુનો લીધો નથી. પણ સંસ્કૃત કે ગ્રીક ગમે તે નાટકશાસ્ત્રના નિયમ સચવાય તોજ નાટક રચાય એમ નથી. કાર્ય, વસ્તુસંકલના અને પાત્રભેદ એ નાટકના આવશ્યક અંશો છે. આ અંશો સિદ્ધ થવા માટે નાટકોમાં બીજનો ક્રમશઃ ઉદ્‌ભેદ હોવો જોઈએ; અને નાટક એ કાવ્ય હોવું જોઈએ. જયકુમારી નાટકમાં બીજના આવા ક્રમશઃ ઉદ્‌ભેદને બદલે સંભાષણ રૂપ વાર્ત્તા છે, અને ગદ્ય જ છે. કેટલીક