પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૩
સાહિત્ય.

ભાષામાં નાટકોમાંનાં બધાં સંભાષણ પદ્યમાં હોય છે. સંસ્કૃતમાં ગદ્ય અને પદ્ય બન્નેમાં હોય છે. કાવ્યને માટે ગદ્ય અને પદ્ય બન્ને ચાલે. સારા નાટકકારનું ગદ્ય કવિત્વવાળું હોય છે; અને જ્યાં ભાવ એકાએક એકઠો થઈ જાય છે અગર જ્યાં રસ વધતાં વધતાં ઘટ થઈ જાય છે ત્યાં તે પદ્ય– કવિતામાં–સ્ફુરી આવે છે. જયકુમારી વિજય નાટકમાં મધ્ય ભાગમાં આવાં કાવ્ય મુકવાનો પ્રયત્ન છે. બાકી જ્યાં જ્યાં પદ્ય છે તે તે સંભાષણ રૂપેજ માત્ર છે. નાયક નાયકાના લાંબા લાંબા પત્રો તે પણ ગદ્યમાં છે. નાટકની નાયકા જયકુમારી ગરીબ કુટુંબની પણ સુશિક્ષિત કન્યા છે. તેના ગુણથી આકર્ષાઈ પ્રાણલાલ નામે ધનવાન અને કેળવાયલો પુરૂષ કેટલીક મુશ્કેલીઓ છતાં આખરે લગ્ન કરે છે, એ આ નાટકનું વસ્તુ છે. આ પુસ્તકથી રા. રણછોડભાઇની નાટકકાર તરીકે ખ્યાતિ થઇ એટલું જ નહિ પણ એ પુસ્તક ઉપરથી કેટલાક કાળ સુધીને માટે ગુજરાતની નાટક રચનાનો આકાર રચાયો. પ્રેમમાં પડેલાં નાયક નાયકા પોતા વચ્ચે ઘણું અંતર છતાં અનેક વિઘ્નો નિવારીને આખરે લગ્ન કરીને સુખી થાયઃ એજ વાર્ત્તા આ પછી રચાયલાં અને ભજવાયલાં નાટકોમાં સમાઈ હતી. નાયક નાયકા વચ્ચેના અંતરની, અને તેમને નડેલાં વિઘ્નોની કલ્પના માત્રમાં જ એ સર્વ નાટકોની એક બીજાથી ભિન્નતા હતી. આ સર્વ પ્રવાહને વહેતો કરવાનું માન રા. રણછોડભાઇને જ ઘટે છે. ઘણાં ખરાં નાટકોમાં આરંભમાં સૂત્રધાર પછી વિદૂષક પ્રવેશ કરે છે અને નાટકનો સમારંભ ન સમજી શકવાથી મૂર્ખાઈ ભરેલા પ્રશ્નો કરે એ પદ્ધતિ પણ આ નાટકમાં મુકેલા એવા પ્રસંગના અનુસરણથી થઈ છે. જયકુમારી વિજય નાટકનો વિદૂષક સંસ્કૃત નાટકોના વિદૂષક કરતાં અભાવ ઉત્પન્ન કરનાર ભવાઈના રંગલાનો નિકટ સંબંધી છે. નાટકના સાહિત્યમાં રા. રણછોડભાઈની સહુથી વધારે ખ્યાતિ આ પછી સને ૧૮૬૬ માં તેમણે રચેલા ‘લલિતા દુઃખદર્શક નાટક’ ને લીધે થઈ છે. લલિતા દુ:ખદર્શક કરુણરસ નાટક છે, અને એનો અન્ત દુ:ખમય આવે છે. બાળલગ્નથી અને વરમાં ગુણને બદલે કૂળ જોયાથી કેવાં માઠાં પરિણામ થાય છે એ દશાવવા અ આ નાટકનો હેતુ છે. એની રચનામાં સંસ્કૃત નાટકોનો નમુનો લીધો નથી. એમાં સૂત્રધાર નટી વગેરે આવતાં નથી.