પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
સાઠીનૂં વાઙ્ગમય.

નાટ્યશાસ્ત્રના मधुरेण समपयेत्–‘મધુરથી સમાપ્તિ કરવી’—એ ધોરી સૂત્ર અનુસાર સંસ્કૃત નાટકોમાં અંતે કરૂણરસ લાવવામાં આવતો નથી. ‘લલિતા દુઃખદર્શક’માં અંતે લલિતા–નાટકની નાયકા–નું દુ:ખથી મૃત્યુ થાય છે. આ નવો માર્ગ લેવામાં રા. રણછોડભાઇએ યોગ્ય હિંમત કરી છે. દુઃખમયઅન્તવાળું નાટક રચી તેમાં કરૂણરસ જાળવવો એ અઘરૂં પણ છે. આવી હિમ્મત અને રસિકતાને અભાવે રા. રણછોડભાઈનું અનુકરણ કરનારા બહુધા આ માર્ગ ગ્રહણ કરી શક્યા નથી. ‘લલિતા દુઃખદર્શક’ પ્રસિદ્ધ થતાં જ બહુ લોકપ્રિય થઇ પડ્યું હતું. અમદાવાદમાં ઠેરઠેર વંચાતું હતું એ અમને સાંભરે છે. ‘ગુજરાતી નાટક મંડળી’એ લાંબા વખત સુધી એ ખેલ ભજવ્યો હતો અને તેમાં રોજ પ્રેક્ષકોની ઠઠ જામતી. એના નાયક નંદનકુમારની કુપાત્રતા એટલી લોકપ્રિય થઈ પડી હતી કે ‘નંદન’ એ શબ્દ મુંબાઈગરી ભાષામાં મૂર્ખતા અને અધમતાવાચક થઈ પડ્યો હતો. કહેવાય છે કે એ ખેલ જોઈ એક ડોશી ઉપર એટલી અસર થઇ હતી કે પોતાની દિકરીનો વિવાહ કરેલો વર નંદનકુમાર જેવો છે અને તેથી દિકરી આખરે લલિતાની પેઠે દુઃખી થશે એમ ધારી એણે એ વિવાહ ફોક કર્યો હતો. આ પ્રમાણે આ નાટક જનવિચારમાં પ્રબળ અસર કરાવનાર થયું હતું. તેમ જ અનુકરણ કરનારાઓને પણ પત્નીની દુઃખી સ્થિતિનો વિચાર આલેખવાનો નમુનો થઈ પડ્યું હતું. બેશક રસાર્દ્રતા અને આવડતની ખામીને લીધે તેઓએ બહુધા એવી સ્થિતિનો અંત સુખમય કલ્પ્યો અને કરૂણ રસમય ઘટના તેઓ કરી શક્યા નહિ.

આ નાટક બીજના ઉદ્‌ભેદમાં, સંકળનામાં, પાત્રભેદમાં અને કાવ્યત્વમાં ‘જયકુમારી વિજય નાટક’ કરતાં ઘણું ચઢીઆતું છે. જયકુમારી વિજયની લાંબાં લાંબાં ગદ્ય ભાષણોની શૈલી એમાં કાયમ રહી છે અને વધારામાં લાંબાં પદ્ય વર્ણનોની શૈલી નવી દાખલ થઈ છે. ત્રીસ ત્રીસ ચાળીસ ચાળીસ તૂકનાં લાંબાં પદ્યને લીધે રસની ક્ષતિ થાય છે. નાટકની રચનામાં આવો વિસ્તાર અનુચિત છે. આ પ્રમાણે નાટક સાહિત્યમાં અગ્રણી થયા પછી રા. રણછોડભાઈએ સંસ્કૃત નાટકોના અનુવાદ કર્યા, પુરાણો પરથી