પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯
સાહિત્ય.

 પદ્ધતિ એમણે ભવાઈની લીધી છે. વિદૂષકનું નામ રંગલો રાખ્યું છે તે પણ ભવાઈનું જ છે, છતાં સ્વ. દલપતરામે પોતાના રંગલાને કાળ અને સ્થળ અંતર કુદી જનાર સર્વવ્યાપી બનાવ્યો નથી. મુંબાઈના એક ભાટીઆ ગૃહસ્થ તરફથી છપાયલા ઇનામને સારૂ કવીશ્વરે આ નાટક લખ્યું હતું. પસંદગીને સારૂ મોકલતી વખત એના ઉપર સંજ્ઞા પણ ‘ભુંગળ વિનાની ભવાઇ’ એવી રાખવામાં આવી હતી. આખું નાટક ભજવાતાં સાજંદાની મંડળી હાજર રહે છે; અને પાત્રનો પ્રવેશ વગેરેનું સૂચન પણ 'જૂવો ભાઈ જીવરામ ભટ આવ્યા. ઇ. ઇ. તાતા થેઈ.’ વગેરે ભવાઇની જ પરિભાષામાં જ કર્યું છે. ભટના ભોપાળાને અંગે બોલતાં અમે એક સમર્થ વિદ્વાનના શબ્દમાં કહી ગયા છઇએ કે હાસ્યરસ જમાવતાં માંકડાંને ખેલવવાના કરતાં અંકુશમાં રાખવામાં ખરૂં ચાતુર્ય છે. આ અંકુશને અભાવે, મિથ્યાભિમાન નાટકના રંગલાના અનુકરણ રૂપે પાછળથી થયેલાં નાટકોમાં વિદૂષક એક પ્રબળ પાત્ર થઇ પડ્યો હતો. વિદૂષકની શક્તિ અગાધ થઈ પડી ! એ ગમે ત્યાં અને ગમે ત્યારે જઇ શકતો ! એ ગમે તેવી બાબતમાં ટાહ્યલું પુરતો ! અમારા મિત્ર સ્વ. કેશવલાલ પરીખના 'કજોડા દુઃખદર્શક નાટક'માં તો વિદૂષકની શક્તિ પરાકાષ્ટાએ પહોંચી છે. એ નાટકમાં કજોડાવાળું દંપતિ સુઈ રહે છે તે વખત પણ વિદૂષક હાજર હોય છે ! નાટકની નાયકા ચંચળ પોતાના પતિને શયનગૃહમાં કાંઈ કહે છે તેના ઉત્તર ધરાધરી આપવાની ધૃષ્ટતા વિદૂષક કરે છે ! 'મિથ્યાભિમાન નાટક' લખ્યા છતાં પણ કવીશ્વર નાટકકાર તરીકે ગુજરાતને જાણીતા નથી.

શિશુપાળ વધ અથવા રૂકિમણી હરણ એ પ્રખ્યાત પૌરાણિક ઈતિવૃત્તને વસ્તુ લેઈને રા. ન. પુ. શંઘવીએ એજ નામનું નવીન નાટક રચ્યું છે. રા. રણછોડભાઇ અને રા. મણિલાલનાં હાલની શૈલીનાં નાટકની રીતે આ નાટક લખવામાં આવવા છતાં તેમાં નાટ્યશાસ્ત્રના નિયમોની ઉપેક્ષા કરી જણાતી નથી. બીજને યથાપ્રસંગ ખિલવવામાં તેમણે બહુ સફળ પ્રયાસ કર્યો છે. પદ્ય છંદમાં નહિ પણ હાલનાં નાટકશાળાઓમાં