પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
સાઠીનૂં વાઙ્ગમય.

 ગવાતાં ગાયનોના રાગમાં રાખ્યાં છે. ભાષામાં ગણ્યાં ગાંઠ્યાં સુંદર નાટકોમાંનું આ એક છે.

આ સાઠીની શરૂવાત પહેલાં, શરૂના અને ત્યાર પછીના ઘણા કાળ સુધી લોકોના આનંદ સારૂ માત્ર ભવાઈ જ હતી એ અમે અગાડી કહી ગયા છઈએ. સંસ્કૃત નાટકોમાં સૂત્રધારને માનપૂર્વક 'ભાવ' કહીને સંબોધવામાં આવતો. આ ભાવ શબ્દ ઉપરથી ભવાઈ શબ્દ થયો હશે એવી કલ્પના સ્વ. હ. હ. ધ્રુવની હતી. ભવાઈ કરવાનો જ ધંધો કરનારી ખાસ નાત બની છે અને તે ભવાઈઓની ટોળીઓ બંધાઈને ગામેગામ, શહેરેશહેર અને વખતે મહોલ્લે મહોલ્લે રમવા જતી. અમુક ટોળીને અમુક જગાએ રમવાનો, વખતે અમુક નાતને જાચવાનો, વંશપરંપરાનો હક્ક હતો. ભવાઈને માટે રંગભૂમિ વગેરેની જરૂર નહોતી. પોળમાં, રસ્તામાં, ધર્મશાળામાં કે કોઈ દેવાલયમાં તેઓ રમતા. દોરડું બાંધીને લુગડાનો ફાટો તૂટો પડદો અગર જૂની જાજમ નેપથ્યની ગરજ સારતી. નવા વેશ તેમાંથી બહાર આવતા અને વેશ ભજવીને જતાં પાત્રો તેમાંજ અદૃશ્ય થતાં. તેઓ નાનાં મોટાં જેવાં મળી આવે એવાં લુગડાં ઘરેણાં પહેરતા. ખુબસુરત દેખાવાને સારુ મોઢે સફેતો કે હરતાલ ચોપડતા. મશાલ તેમને પ્રકાશ પૂરો પાડતી. પાત્ર આવતી વખત વધારે ચમત્કાર જેવું જણાવાને વખતે રાળના ભડકા કરતા. બિભત્સ ભાષણ અને જુગુપ્સા ઉત્પન્ન કરે એવા ચાળા એ ભવાઈનાં ખાસ લક્ષણો હતાં. એમનો ખાસ નાચ ઈજીપ્ટના નાચ જેવો નઠારા હાવભાવથી ભરેલો હતો. તેઓ પોતાની રમતના પ્રારંભમાં ગણપતિનો વેશ કાઢતા. કાગળના અગર લુગડાના ગોટિલાની સુંઢવાળો હસામણો ગણપતિ બનીને આવતો. ત્યારપછી જૂદા જૂદા વેશ ક્રમવાર આવતા. દરેક વેશમાં મુખ્ય પાત્ર અને તેની સાથે 'રંગલો' આવતો. ગમે એવાં નિર્લજ વચનોથી–નિર્લજ શ્લેષથી અને બિભત્સ ચાળાથી જોનારાને હસાવવાનું કામ એનું હતું. આવી લાંબી પરંપરાવાળી ભવાઈનું એક્કે પુસ્તક નહોતું. તેઓ પોતાના પાઠ મ્હોડેજ રાખતા. વખતે કોઈ પોતેજ ઉકેલી શકે એવા અક્ષરોમાં ઉતારી લેતા હોય. સઘળી તરેહના સુધારાપર લક્ષ