પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧
સાહિત્ય.

દોડાવનાર સ્વ. મહીપતરામજીને ભવાઈ કે એવી સંસ્થાની જરૂર અને તેની સાથે જ પ્રચલિત ભવાઈની અયોગ્યતા જણાઈ તેથી તેમણે ભવાઈમાંથી નઠારો ભાગ કાઢી નાંખી–ભવાઈઆઓને ભુંડું બોલવાનું ભૂલવવાનો સબળ પ્રયત્ન કર્યો. ઉછરતા ભવાઈઆઓને શિખવા સારૂ અને આ જૂનાં પ્રહસનો નાશ ન પામે એ હેતુથી–'ભવાઈ સંગ્રહ ' નામનું પુસ્તક લખ્યું. એ ખેલોની ભાષા ગુજરાતી, હિંદી−અગર ખરૂં કહીએ તો 'અબી તલક ચ્યાં ગ્યાતા’ એવી મુસલમાની અને મારવાડીના ખિચડા જેવી છે. પદરના પૈસા ખરચી ખરચીને ભવઈઆઓને એકઠા કરી કરીને એમણે મહાપ્રયાસે આ પુસ્તક તૈયાર કર્યું છે. તથાપિ આ વિરલ સુધારકની સારી ધારણા બર આવી નહિ અને ભવાઈઆઓ સુધર્યા નથી. 'ભવાઇ સંગ્રહ' સ્વ. નર્મદાશંકરને અર્પણ કર્યું હતું અને તેથી એ સ્વર્ગવાસી કવિને સ્હેજ માઠું લાગ્યું હતું ! હાલ નાટકશાળાઓ થવાથી અને ભવાઈઆના દિકરાઓ બહુધા તેમાં જોડાવાથી તેમ જ લોકોની રૂચિ અને લક્ષ્ય બદલાવાથી ભવાઈની પડતી થઈ છે.

કેટલાક કાળ પછી શરૂવાતમાં દક્ષિણની નાટક મંડળીઓ ગુજરાતમાં ખેલ ભજવવા આવતી થઈ. તેની અસરથી અહિં પણ નાટકમંડળીઓ નીકળી તેમ જ નાટક લખનારાઓ ઉપર પણ તેની અસર થઈ. દક્ષિણની કિરલોસકરની તેમ જ સાંગલીકરની મંડળીઓ ગુજરાતમાં પોતાના ખેલ ભજવીને વાહ વાહ કમાઈ ગઈ હતી. એ મંડળીઓના ખેલ વખત પણ શરૂવાતમાં કાગળની સુંઢવાળો ગણપતિ રંગભૂમિપર આવતો. તેમ જ પેટ અગાડી લાકડાનું મોરનું મોઢું અને બરડા ઉપર મોરપિચ્છની ઝુડીઓ બાંધેલી સરસ્વતી પણ રાળના ભડકાથી વચ્ચે થેકડો મારીને રંગભૂમિ ઉપર આવતી ! દક્ષણી મંડળીઓ ગુજરાતમાં ખેલ કરતાં એવી રૂઢિ રાખતી કે પાત્રો ગદ્યમાં મરાઠીને બદલે હિંદુસ્થાનીમાં બોલે. પદ્ય સહેલાઈથી ન બદલી શકાય એમ હોવાથી ગાયનો મરાઠીમાં જ થતાં. બીજો એક રિવાજ હસવા જેવો હતો. એ લોકો આખ્યાનો વગેરેમાંથી બહુધા પોતાનું પદ્ય લેતા અને તે સૂત્રધાર જ બોલતો. સૂત્રધાર બધો વખત એંટદાર પાઘડી