પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
સાઠીનૂં વાઙ્ગમય.

થઈ છે. હાલ તો વાર્ત્તાને સંભાષણનું રૂપ આપવું, હલકી પ્રતિનો હાસ્ય ઉત્પન્ન કરવાનો યત્ન કરવો, ગદ્યથી થાકે ત્યાં પદ્ય અને પદ્ય થી થાકે ત્યાં ગદ્ય મુકવું, અને સંગીતશાસ્ત્રના નિયમ વગરન –ધપ–છપ–ગપ–ભપ–એવાં વિચિત્ર તાલ ને પ્રાસવાળાં ગાયનો ઉમેરવાં એ નાટક લખવાના ધોરી નિયમ થઈ પડ્યા છે. આવાં નાટકો ખાંડીબંધ ઉભરાઈ જાય તોપણ તેથી ભાષાની સ્મૃદ્ધિ વધી લેખાતી નથી. बोधारोमत्सरग्रस्ता:ની પેઠે વિદ્વાનો લખતા નથી અને નાટકશાળાની ભૂખ ભાગવાનું કામ સાત ચોપડીઓની શમશેરે ઝૂઝતા લેખકો પર આવી પડ્યું છે. જેને કાંઈ ન આવડે તેને નાટકશાળાને માટે નાટક લખતાં આવડે ! આમ થઈ પડ્યું છે એ ઘણું ખેદકારક છે. રા. રમણભાઈ કહે છે તેમ આના કરતાં પણ સુલભ નવલવાર્ત્તા લખવાનો રસ્તો સૂજ્યો ત્યારે જ આ ગ્રંથકર્તૃત્વપદાભિલાષી–અમે એમને ગ્રાંથિકસન્નિપાત થયેલા કહીશું–ઉપાસકોએ નાટકનો ખ્યાલ મુક્યો !

રંગભૂમિ ઉપર ભજવાતાં નાટકો સંબંધે ઉપર કહી ગયા. એ નાટકોમાં જો ઉંચી ભાવના દાખલ થાય, માત્ર હલકી પ્રતિના પ્રેક્ષકોના વિનોદાર્થે નહિ પણ જનસમૂહની વૃત્તિ અને નીતિ ઉચ્ચતર કરવાના સ્તુત્ય અને પ્રશંસનીય હેતુથી જે માત્ર તે લખાય અને ભજવાય તો બેશક ધીરે ધીરે પ્રેક્ષકોની રૂચિ પણ ઉંચી થાય. તેમ જ લેખકોની દૃષ્ટિ પણે સર્વદા ઉચ્ચ લક્ષ તરફ જ રહે. કેટલીક મંડળીઓનાં કેટલાંક નાટકો સારા અંશવાળાં છે, એ કહેવું જોઈએ. મર્હુમ ડાહ્યાભાઇ ધોળશાનો નાટકના સાહિત્યની ઉન્નતિ કરવાનો પ્રયાસ સારી રીતે જાણીતો છે. વાંકાનેરના રાજકવિ રા. નથુરામનાં કરેલાં નાટકોમાં કેટલાંક સારા અંશવાળાં પદ્ય છે. કાઠીઆવાડી નાટકમંડળીવાળા રા. વિશ્વનાથનો પણ ઉદ્દેશ એવો દેખાય છે. રા. ડાહ્યાભાઈનું નાની વયમાં મૃત્યુ થવાથી તેમનો પ્રયાસ અટકી પડ્યો. મોરબી અને ગુજરાતી મંડળીનાં કેટલાંક ગાયનો રસભરેલાં છે. પણ પ્રેક્ષક વર્ગની તુષ્ટિને સારૂ ફરી ફરીને ગાવામાં આવવાથી તેનું લાલિત્ય ઓછું થતું જણાય છે.