પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૧
સાહિત્ય (ચાલુ).

બતાવવાને કવીશ્વરે પોતેજ ફેરફાર કર્યો હોય એ અમે માની શકતા નથી; પણ લોકોના વપરાશથી ફેરફાર થએલી કવિતાને જૂની–જે કાળે બનાવાઈ હશે તે કાળની માની લેવામાં કવીશ્વરની શુદ્ધ મનથી ભૂલ થઈ હોય એ સ્વાભાવિક છે.

‘કાવ્યદોહન’ ના બીજા પુસ્તકમાં નાખેલું બીડું ઝડપીને કોઇએ કાવ્યદોહનનું ત્રીજું પુસ્તક કાઢી કવીશ્વર પાસે ચોથું કઢાવ્યું નથી. પણ કેટલાંક વર્ષો બાદ રા. બ. હરગોવંદદાસ કાંટાવાળા અને બીજા ગૃહસ્થોએ ગુજરાતી જૂની કવિતાનો ભંડાર ખંખોળવાનું સ્તુત્ય કાર્ય આરંભ્યું હતું. એમણે જૂના કવિયોનાં કાવ્ય એકઠાં કરીને 'પ્રાચીન કાવ્ય' નામથી એક ત્રિમાસિક પત્ર કાઢ્યું હતું. જૂના ગ્રંથોની ખોળમાં પડતા શ્રમની વાત છેક મી. ફોર્બ્સના કાળથી આપણે જાણીએ છઇએ. એમના જેવી પદ્વીના અને વગ ધરાવનારા ગૃહસ્થને પણ જૂનાં પુસ્તક મેળવતાં કેવી અડચણ પડતી તે કવીશ્વર આપણને કહી ગયા છે. જૂનાં પુસ્તકોના માલિકો પ્રથમ તો હાથ જ મુકવા દેતા નથી, અને જે પુસ્તકનું અસ્તિત્વ કબૂલ કરીને આપવાની ખુશી બતાવતા તો ઘણાજ બદલાની આશા રાખતા. સ્વ. ફોર્બ્સ પાસે એવા સંયોગમાં એક માણસે ગામ કરતાં પણ કાંઈ વિશેષ ઈનામમાં માગ્યું હતું ! આ માગણીના જવાબમાં એમણે કવીશ્વર પાસે હનુમાન નાટક માંહ્યલી વાત કહેવડાવી હતી ! નાટકમાં હનુમાનનો વેશ આવ્યો તેને એક માણસે કહ્યું કે ઓ હનુમાન બાપજી ! તમે મને બાયડી મેળવી આપો તો હું તમને તેલ સિંદૂર ચઢાવું. હનુમાને ઉત્તર આપ્યો કે 'તને પરણાવા મારી પાસે સ્ત્રી હોય તો હું જ કુંવારો રહું ?' આ વસ્તુસ્થિતિ હજુ પણ બદલાઇ નથી. કવિ ભાલણના દશમની એક પ્રતને બદલે એક વિદ્વાન ગૃહસ્થે પચશેં રૂપીઆ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી પાસે માગ્યા હતા ! પાટણમાંથી એજ પુસ્તકની વાણીઆસાઈ અક્ષરે લખાયલી નજીવી પ્રતને બદલે પચ્ચાશ રૂપીઆ અને છપાય ત્યારે છાપેલી પચ્ચાશ નકલો અમારી પાસે માગી હતી ! ત્રિમાસિકને સારૂ જૂની કવિતા મેળવતાં પડેલી વિટંબણાનો ઈસારો રા. બ. હરગોવંદદાસ ઘણી વાર કરે છે. નવ દશ વર્ષની જીંદગી ભોગવી આ ત્રિમાસિકે ઘણીક જૂની કવિતા અજવાળામાં આણી છે.