પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩
સાહિત્ય (ચાલુ).

 થયો નહતો તે વખતે ઉદ્યોગ, ખંત અને રંજ ઉઠાવીને પ્રસિદ્ધ કરેલાં પ્રાચીન ત્રિમાસિક અને પ્રાચીન કાવ્યમાળાથી થએલી સાહિત્યસેવાની કિંમત ઓછી થઈ શકતી નથી. એ બન્નેને લીધે ગુજરાતી પ્રજા ઘણી જૂની કવિતા વાંચી શકી છે; અને તે માટે રા. બ. હરગોવંદાસ અને મર્હૂમ શાસ્ત્રીને ધન્યવાદ જ ઘટે છે.

લોકોમાં દિન પ્રતિદિન વાંચનનો શોખ વધતો જાય છે અને તે સારૂ પુસ્તકો પૂરાં પાડવાનો પ્રયત્ન ઘણા સાહિત્યપ્રેમી જનો કરી રહ્યા હતા. આવા એક વખાણવા લાયક શ્રમના ફળ તરીકે જ ગુજરાતી સાહિત્યને ભાઈ ઇચ્છારામ સૂર્યરામનાં ‘બૃહત્ કાવ્યદોહન’ મળ્યાં છે. આ ગ્રંથ પ્રગટ થયાની પૂર્વે બહાર પડેલાં 'કાવ્ય દોહન,' 'અપ્રસિદ્ધ ગુજરાતી કાવ્ય' અને 'પ્રાચીન કાવ્ય' વગેરેમાં આવી ગએલી તેમજ રા. ઈચ્છારામે મેળવેલી બીજી ઘણીક કવિતા એકઠી થઈને આ કાવ્યદોહન છપાયાં છે. એમની પ્રતિજ્ઞા દશ પુસ્તકો બહાર પાડવાની હતી. મોટાં દળદાર સાત પુસ્તકો તો બહાર પડી ચૂક્યાં છે. જો કે આ પુસ્તકોમાં છાપેલી કવિતા સંશોધન કરીને છાપી નથી, તેમજ ટીકા વગેરે આપ્યાં નથી છતાં આ સંગ્રહ ઉપયોગી થયો છે. શ્રમ અને વ્યય કરીને ભાષાના મોટા અને જૂના ભંડારને ગુજરાતી પ્રજા આગળ ખૂલ્લો મુકવાના ઈષ્ટ પ્રયત્નને સારૂ એ ભાઈને ધન્યવાદ ઘટે છે. દરેક કવિવાર, સંશોધિત અને ટીકાવાળી આવૃત્તિની જરૂર પૂરી પડી નથી, તે એઓ અગર બીજો કોઈ વિદ્વાન પૂરી પાડશે.

સ્વ. કવિ નર્મદાશંકરને કવિ દયારામ તરફ ઘણો પક્ષપાત હતો તે જાણીતી વાત છે. જૂનું નર્મગદ્ય જોતાં માલમ પડશે કે દયારામના જેવા પોતે હતા એવું એમનું માનવું હતું. દયારામની ગરબીઓ 'પ્રેમસાગર’ નામથી તેમજ છૂટક છૂટક છપાઈ હતી. કવિએ જાતે મુસાફરી કરીને,–શ્રમ લઈને–દયારામની કવિતાનો સારો સંગ્રહ એકઠો કરીને છપાવ્યો. અત્યારસુધીમાં દયારામની કવિતાનો કવિના જેવો અને જેટલો સંગ્રહ બીજો થયો નથી. દયારામની ગુજરાતી કવિતાની ભેગી દયારામની હિંદી ભાષાની કવિતા અને એમના જાણીતા ગ્રંથ 'વસ્તુ વૃંદદીપિકા' અને 'સતસૈયા' વગેરે