પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
સાઠીનૂં વાઙ્ગમય.

 પણ છાપ્યા હતા. આ આવૃત્તિમાં, જેમ પોતાની નર્મકવિતામાં પોતાની કવિતા સબંધે કર્યું હતું તેમ કવિ દયારામની કવિતાની તૂલના કરી કિંમત આંકીને તેનો પહેલો, બીજો અને ત્રીજો એવા વર્ગ પાડ્યા હતા ! આ વર્ગણી ગુજરાતી વાંચનારી પ્રજાને કબૂલ હોય એમ અમારૂં ધારવું નથી. મોટી કિંમત રાખ્યા છતાં પણ કવિનું પુસ્તક ખપી ગયું હતું; અને એની માગણી એટલી હતી કે ગુજરાતી પ્રેસે એની બીજી અને ત્રીજી એમ બે આવૃત્તિઓ કાઢી છે. આ આવૃત્તિઓમાં બહુ વ્યવસાયને લીધે અથવા સુધારનારના પ્રમાદને લીધે ઘણી ભૂલો પેસી ગઈ છે.

કાઠીઆવાડના રેવાશંકર કવિની કવિતા અને એમનો 'કૃષ્ણજન્મખંડ,’ ભોજાભક્તની કવિતા, ચાબખા, સ્વામીનારાયણ પંથના સાધુ કવિયો નિષ્કુળાનંદ, પ્રેમાનંદ અને બ્રહ્માનંદની કવિતા પણ જૂદી જૂદી છપાઈ પ્રસિદ્ધ થઈ છે.

સામળભટની બત્રીસ પૂતળીઓની વારતાઓ, વૈતાળપચ્ચીશી, અને સુડાબહોતેરીની વાર્ત્તાઓ તો શરૂવાતમાં તે વખતના છાપખાનાવાળાઓએ પ્રસિદ્ધ કરી હતી એ અમે આગળ કહી ગયા છઈએ.

અમદાવાદના સાઠોદરા નાગર કવિ અલખ બુલાખીરામની કવિતાનું એક નાનું પુસ્તક બ્હાર પાડીને એમના ભક્તમંડળમાં વંચાયું હતું.

પ્રેમાનંદ કવિનાં ઘણાં કાવ્ય પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. સહુથી સારી આવૃત્તિ નરસિંહમહેતાના મામેરાની છે. સ્વ. નવલરામે આ આવૃત્તિ કાઢી છે. આરંભમાં ગ્રંથને શોભે એવી પ્રસ્તાવના, કવિજીવન, પાઠાન્તર સાથે ટીકા વગેરે આપીને સારોદ્ધાર કરેલી આવૃત્તિ કેવી જોઈએ એનો નમુનો બતાવવાને જ કાઢી ન હોય એવી આ આવૃત્તિ છે. એજ કવિશ્રીનાં બીજા સુંદર કાવ્ય 'નળાખ્યાન' ની સારી રીતની ટીકાવાળી આવૃત્તિ નીકળી છે. આ આવૃત્તિ સુરતનિવાસી રા. છગનલાલ ઠા. મોદી અને રા. દામુભાઇ ડાહ્યાભાઇ બન્ને મિત્રોએ મળીને કાઢી છે અને એકદરે સારી થઈ છે. પરંતુ આનાથી નળાખ્યાન જેવા કાવ્યની સંશોધિત અને યથાયોગ્ય ટીકાવાળી આવૃત્તિની ગરજ મટી ગઈ નથી. પ્રેમાનંદનાં દરેક કાવ્યની છૂટીછૂટી આવૃત્તિયો ભાષામાં થાય એવી આશા ગુજરાતીનો દરેક ભક્ત રાખે જ.