પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
સાઠીનૂં વાઙ્ગમય.

ધનેશ્વરે પણ એક રામાયણ આપણી ભાષામાં ઉમેર્યું છે. વૃજ કવિ તુળસીદાસજીની બાનીનો રસ એમણે આપણી પ્રજાને ચખાડ્યો છે. એમણે પોતાનું ભાષાન્તર કકડે કકડે છપાવ્યું હતું. ભાષાન્તરમાંથી અમુક ભાગ અત્રેની હીમાભાઈ ઇન્સ્ટીટ્યૂટમાં વાંચી સંભળાવ્યો હતો તે અમને યાદ છે. રામના પ્રેમમાં મસ્ત અને ટેકી આ કવિનું રામાયણ મૂળે જ કઠણ છે. એની ભાષા વૃજમાં બોલાતી વૃજ નહિ પણ અયોધ્યા તરફ બોલાતી હિંદી છે. આખા ઉત્તર હિંદુસ્થાનમાં આ પુસ્તક ઘણું પ્રિય અને પવિત્ર ગણાય છે. આવા અપૂર્વ પુસ્તકનું, તેમાંએ ખાસ કાળજીથી થયેલું કવિ શિવલાલનું ભાષાન્તર મનોહર બન્યું છે. સ્વ. નવલરામ કહે છે તેમ “આ કવિયે (કવિ શિવલાલે) તુલસીકૃત રામાયણનું ભાષાન્તર ગુજરાતી ભાષામાં પ્રકટ કર્યું ત્યારથી કવિ વર્ગમાં એ સાબાશીની સાથે ગણનીય થાય છે” કવિ શિવલાલની ભાષા શુદ્ધ, રૂઢ અને સહજ કઠણ છે. એમનો પદ્યબંધ સર્વથા વખાણવા લાયક છે. ટૂંકામાં શિવલાલની બાની પ્રાસાદિક છે. રામાયણ જેવો મોટો ગ્રંથ વાંચવાની ફુરસદ ન હોય તો તુલસી ભક્તરાજે આલેખેલાં રામચરિત્રનાં છૂટક ચિત્રોની શિવલાલે કરેલી નકલ વાંચવાની અમે ભલામણ કરીએ છઈએ. તેમ કરવાથી એટલો કાળ આનંદમાં વ્યતિત થશે એ નિસ્સંદેહ છે. આવા મોટા ગ્રંથનો અનુવાદ કરવાથી શિવલાલને પદ્યબંધ સાધ્ય થયો હતો, અને રામાયણની છાપ એમના સઘળા લખાણમાં નજરે પડે છે. એમણે ગુજરાતી સાહિત્યમાં રામાયણ–મેઘદૂત–શ્રીમન્ કચ્છ ભૂપતિ પ્રવાસ વર્ણન–વિવાહ વર્ણન–કાવ્યકલાપ વગેરે ઘણા ગ્રંથોનો સારો ઉમેરો કર્યો છે. એમણે લખેલું ભારતનું પર્વ એમના અકાળમૃત્યુથી બહાર પડી શક્યું નથી.

ભૂજના મહારાવશ્રીના શિક્ષક રા. છોટાલાલ સેવકરામે પણ ગુજરાતી સાહિત્યમાં ભક્તકવિ તુલસીના બીજા ગ્રંથનો ઉમેરો કર્યો છે. ‘તુલસીસતસાઇ’ જાતે રામરસાયણથી પૂર્ણ ગ્રંથ, તેમ જ ભાષાન્તરકર્તા પણ જાણીતા સાક્ષર હતા. આ ગ્રંથ સારો લખાયો છે. શોચનીય એટલું જ છે કે આ ગ્રંથનો અમુક ભાગ ગુર્જર વાંચનારને દુર્ઘટ લાગશે એવી શંકાથી ભાષાન્તરકર્ત્તાએ મુકી દીધો છે. આ ભાગનું પણ ભાષાન્તર કરી–ટીકા સમજૂતી