પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૭
સાહિત્ય (ચાલુ).

વગેરેથી સુગમ બનાવ્યો હોત તો વધારે ઉત્તમ થાત. એજ ઉમંગી ગૃહસ્થે ભાષામાંથી બીજાં ‘વૃંદસતસાઇ’ નામના ગ્રથનું સરળ ભાષાન્તર કર્યું છે.

રઘુવંશનું પદ્યાત્મક ભાષાન્તર ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી તરફથી છપાવ્યું છે તેમ જ એ સંસ્થાએ ‘કીર્તિકૌમુદી’ નું ભાષાન્તર પણ કરાવ્યું છે. આ ભાષાન્તરોમાં મૂળનો રસ ને આનંદ આણવાનો યત્ન ફળીભૂત થયો જણાતો નથી.

મહાકવિ કાલિદાસના ‘મેઘદૂત’ ના પાંચ છ અનુવાદ આ સાઠીમાં થયા છે. કાઠીઆવાડના ધ્રાંગ્ધરા સ્વસ્થાનના ડેપ્યુટી મેજીસ્ટ્રેટ મી. જુન્નરકરે ‘શ્રી કાવ્ય રત્નપ્રભા’ નામથી 'મેઘદૂત', ‘અજવિલાપ’ અને ‘ઋતુસંહાર’ એ ત્રણ કાવ્યનાં ભાષાંતર કર્યો છે. ‘કવિતાની ભાષા શુદ્ધ અને એવી સરળ છે કે જે કોઇ ગુજરાતીએ લખી હોય તો તેને પણ દૂષણકારી ગણાય નહિ. ભાષાન્તર ચરિતાર્થ પકડીને કરી દીધું છે. મેઘદૂત અને અજવિલાપ હિંદુસ્તાની લાવણીની રાહ૫ર અને ઋતુવર્ણન વિવિધ વૃત્તોમાં જે ઉતાર્યું છે; પણ મેઘદૂતનું ગાંભીર્ય એમાં જળવાઇ શકાયું નથી, અને અમારા વિચારમાં લાવણી એ કામને લાયક જ નથી. લાવણી શૃંગારને અનુકુળ છે એ વાત ખરી, પણ તે મેઘદૂત જેવા વર્ણનપ્રધાન કાવ્યને નહિ. જ્યાં હૈયાના ઉભરાને બહાર કાઢવા છે ત્યાં જ એ ઉછળતી રમતી રાહ શોભે.’ મેઘદૂતનું બીજું ભાષાન્તર સ્વ. કવિ શિવલાલ ધનેશ્વરનું છે. એમના રામાયણના ભાષાન્તરનાં જેમ વખાણ કરીએ તેમ આ પુસ્તકનાં થઇ શકે એમ નથી. શિવલાલની ભાષા અને મીઠી બાની જ આમાં દેખાતી નથી. એટલું જ નહિ પણ કોઈ કોઈ પ્રસંગ ઠીક હોવા છતાં ભૂલો પેશી ગઈ છે. રા. હરિકૃષ્ણ બળદેવનું મેઘદૂતનું ભાષાન્તર મૂળને વધારે અવલંબીને લખાએલું છે. વાંચતાં જ ભાષાન્તરકર્ત્તાના સંસ્કૃત જ્ઞાનની આપણને પ્રતિતી થાય છે. એમાં મૂળ વૃત્ત ન રાખતાં હરિગીત છંદ વાપર્યો છે. કાલિદાસનો રસ અને ગાંભીર્ય જળવાયું નથી, અને ભાષામાં સહજ ફક્કડાઇ–લાલાઈ–જણાઈ આવે છે. સ્વ. ભીમરાવનું મેઘદૂતનું ભાષાન્તર સ. ૧૮૭૮માં બહાર પડ્યું હતું. જો કે ભાષા સરળ છે તથાપિ તેમાં ‘લાવણ્યમયિ’ ના લખનારની