પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
સાઠીનૂં વાઙ્ગમય.

ભાષાની સુંદરતા આવી નથી. એમણે કાવ્યમાં મંદાક્રાન્તા વૃત્તજ–મૂળની પેઠે વાપર્યું છે. આ પુસ્તકના ઉપર તે કાળે નિકળતા ‘સ્વદેશવત્સલ’માં સખ્ત હૂમલો થયો હતો. એના દરેક શ્લોકે શ્લોક લેઇ તેમાંથી દોષ સિવાય બીજું પ્રજાને કાંઇ જણાવવામાં આવ્યું નહોતું. અમને એ હૂમલો વાંચીને વૃંદ કવિની જાણીતી ઉક્તિ સાંભરે છે. કવિ વૃદ કહે છે:—

‘પીએ રૂધિર પય ના પીએ, લગી પયોધર ઝોંખ;”

આ ચર્ચાના જવાબમાં રા. નરસિંહરાવે બુદ્ધિપ્રકાશનો વધારો કાઢીને સબળ બંધુકૃત્ય કર્યું હતું. કુતુહલની ખાતર એ માસિકો વાંચવાં હોય તેણે વાંચવાં સ્વ. હ. હ. ધ્રુવે માત્ર પૂર્વમેઘનું સમશ્લોકી સુંદર અને સરળ ભાષાન્તર કર્યું હતું. ઉત્તરમેઘનું પણ ભાષાન્તર થઇ એ કાવ્ય પૂરૂં થયું નથી એ શોચનીય છે.

હવે અમે મેઘદૂતના અત્યાર સુધી થયેલાં ભાષાન્તરોમાં ઉત્કૃષ્ટ સ્વ. નવલરામના ભાષાન્તર સંબંધે કહીશું. ‘સાક્ષરઉદ્દેશ તો મેઘદૂતના ભાષાન્તરમાં છે. ભાષાન્તર કરવાની કળા વિશે નવલરામે કેટલેક ઠેકાણે લખેલું છે, તે ઘણે અંશે યોગ્ય છે, અને મેઘદૂતનું ભાષાન્તર પણ જમે ઉધાર કરતાં ચ્હડતી પંક્તિનું નીકળે છે. કાલિદાસની રસજ્ઞતા સમજ્યા સિવાય એનો રસ ગુજરાતીમાં આણવો કઠણ છે; કવિનું ભાષાન્તર કરવામાં કવિત્વ જોઈએ છિયે; સંસ્કૃત કપડાં કહાડી ગુજરાતી પહેરાવ્યાથી ભાષાન્તર થતું નથી, પણ કાલિદાસ પોતે ગુજરાતી હોત અને એમણે પોતે જ મેઘદૂત ગુજરાતીમાં લખ્યું હોત તો કેવું લખત એનો વિચાર કરી તેવુંજ કોઈ સફળ લખે તો તેજ ભાષાન્તરમાં અસલ ગ્રંથની યોગ્યતા આવે અને એનું જ નામ ભાષાન્તર. ભાષાન્તર કરો, અથવા ભટના ભોપાળાની પેઠે રૂપાંતર કરો, અથવા વાલ્મીકિના રામાયણ જેવા મહાપ્રસાદના કંઈક કણ નવા કવિયોનાં રામાયણમાં આણી પ્રાકૃત લોકોને ચખાડો:–તે સર્વમાં મૂળ લેખોનો આત્મા તો આવવોજ જોઇએ, જુદી વાણીમાં, જુદા દેશમાં જુદા કાળમાં, જુદા વ્યવહારમાં અને જુદા રંગોમાં તે પ્રસંગોમાં પડેલું મૂળ બિંબનું પ્રતિબિંબ સ્વભાવે એજ હોવું જોઈએ. મુક્તિફોજવાળી મડમો ભગવો લુગડાં પહેરવાથી