પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
સાઠીનૂં વાઙ્ગમય.

માત્રની પરિગણના કરતાં, તેમણે ‘કવિનો અંતર્ગત અભિપ્રાય પ્રકટ’ કરવાની પ્રતિજ્ઞા કરી છે. ભાષાન્તર બહુ ઉત્તમ છે, એની ભાષા શુદ્ધ સંસ્કારવાળી છે. અમરૂશતક ઉપર આઠ જૂદી જૂદી ટીકાઓ સંસ્કૃતમાં થઈ છે. તેમાં અર્જુનદેવની ટીકા દુર્ગાપ્રસાદે છપાવી છે, તેમાં આ શતકના પ્રત્યેક શ્લોક વિષે રસ, નાયિકા, અલંકારાદિનો સારો વિવેક છે. રા. કેશવલાલે આ ટીકા, તેમ ભૂપાળની ટીકા વિલોકી, તેમ જ પોતાના વિસ્તર્ણજ્ઞાન પ્રદેશનો અનુભવ પણ તેમાં સંયોજી જે અતિ ઉત્તમ ટીકા પદ્યો સાથે આપી છે તે બહુ વિદ્વતાભરેલી અને રસિક છે. રા. કેશવલાલની રચનામાં રસની સાથે જે પ્રાચીન ગુજરાતી શબ્દોનું માધુર્ય ઉમેરાય છે તે જ એમની શૈલીની મનોહર, ભભક ગુર્જર સાક્ષરોને હમેશ વધુ ને વધુ આનંદજનક લાગતી રહે છે. ઘરમાં અને ઉંડાં ઉંડાં સ્ત્રી હૃદયોમાં સ્વાભાવિક રીતે ઉત્પન્ન થઈ બહાર પડતાં નેસર્ગિક ભાવભર્યાં વચનો અને રમ્ય મધુર શબ્દોની સંકલના જ એમની કાવ્ય રચનાનો એક અલૌકિક આત્મા છે, એમ કહેવું અતિશયોક્તિ જેવું નથી. જો કે આ સાઠીમાં તો નહિ પણ એમના અમરૂની બીજી આવૃત્તિ થઈ છે અને તેમાં ઓર ખુબીઓ ઉમેરાઈ છે. આ આવૃત્તિમાં એમણે અમરૂના એક મુક્તકના ભાવનું સુંદર ચિત્ર આલેખાવીને આરંભમાં મુક્યું છે.

આ એ જ વિદ્વાને સંસ્કૃત ‘ઘટકર્પર’ નામના નાના કાવ્યનું ‘છાયા ઘટકર્પર’ નામથી ભાષાન્તર કર્યું છે. આ અનુવાદ શબ્દશઃ કર્યો નથી પણ સમશ્લોકી છાયામાં કંઈક ભાગે મૂળ ગ્રંથોનો યમકનો ચમત્કાર અને મુખ્યત્વે રસ જાળવીને કર્યો છે. છેલ્લા શ્લોકમાં ‘ઘટકર્પર' શબ્દ આવવાથી મૂળ કાવ્યનું નામ પડ્યું છે. રા. કેશવલાલે પણ મૂળ યમક કુશળ શૃંગારને છાજે એવી પ્રતિજ્ઞા પોતાના અનુવાદમાં પણ છેલ્લી આવવા દીધી છે કે:—

“હાર્યો રજે ઝમકની ઝમકે ઠરૂં હું
તે ઘેર નીર ઘટકર્પરથી ભરૂં હું.”

ફારસીમાંથી શાહનામું અને કરીમાનાં ભાષાન્તર પણ આ સાઠીમાં થયાં છે.