પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
સાઠીનૂંવાઙ્ગમય.

રાખતા ત્યારે એથી ઉલટું નર્મદાશંકર પોતાને લાગે તે બેધડક–કડવું, ઝેર જેવું હોય તોપણ–સખ્ત વાણીમાં કહેતા. સુધારો તો બન્નેને ઈષ્ટ હતો; બન્ને બોધ તો નીતિનો જ કરતા; વ્હેમ વિદારણા બન્નેના મનમાં રૂચતી; ધર્મ ભોળાં થવાનું કોઈને ગમતું નહોતું; દેશદ્રોહી થવું અને પરતંત્રતાની ઝૂંસરી વ્હેવાનું બન્નેને ના પસંદ હતું. આ પ્રમાણે એક જ પ્રદેશમાં ઘુમતી છતાં તેમની કવિતા જૂદી હતી. આ બન્ને કવિયો વર્ત્તનમાં, વિચારમાં, સ્વભાવમાં અને ટુંકામાં બધી બાબતોમાં સ્વભાવતઃ ઉલટા જ હતા. દલપતરામની કવિતા પૂર્વે થઈ ગયેલા વૃજ કવિયોની કવિતા જેવી હતી, ભાષા એમને સાધ્ય અને વશવર્ત્તિની હોવાથી એમની કવિતા સરળ*[૧] છતાં ઝડઝમકવાળી, અલંકારોથી ભરપૂર અને વાંચનારના હૃદયમાં ઝટ પ્રવેશ કરે એવી હતી અને એમ હોવાથી સચોટ અસર કરતી; અને વધારે લોકપ્રિય થતી. ઝડઝમક લાવવાનો કોડ તો નર્મદને પણ હતો. એક મિત્રની કહેલી વાત અમને સાંભરે છે કે દલપતરામની પેઠે ખૂબ પ્રાસ અને ઝડઝમક લાવવાની આતુરતાથી એક વખત ક થી હ સુધીના અક્ષર જૂદા લખીને તેના કાડી, ખાડી, ગાડી, ઘાડી, ચાડી, છાડી, જાડી, એ પ્રમાણે શબ્દ બનાવીને તેને આણીને–વાપરીને-એક કવિતા બનાવી હતી ! જે મિત્રે અમને આ વાત કહી હતી તે કવિના મંડળમાં રોજ બેસનાર અને કવિતા સાંભળનાર હતા. ઉક્ત કવિતા મિત્રોની આગળ વાંચી, અને તેના ઉપર મિત્રમંડળમાં ટીકા થવાથી કવિયે એ કવિતાની નીચે ‘નિશામાં લખેલી’ એવી ટીકા લખવાનું ઠેરવ્યું ! આ નમુનેદાર કવિતા કુતુહલની ખાતર જોવી હોય તો નર્મ કવિતામાં પ્રીતિ સંબંધી પ્રકરણમાં છપાએલી છે અને ‘એવી કેવી તે આગ લગાડી’ એ લીંટીથી શરૂ થાય છે ! વગર પ્રયાસે જ્યાં સ્વાભાવિક કવિતા સ્ફુરી આવી છે ત્યાં પ્રાસ વગેરે દીપી નીકળી કવિતા સરળ અને રસમય બની છે. દાખલો જોવો હોય તો એજ પ્રકરણમાં એમની ‘સલામ રે દિલદાર’


  1. અમને વૃદ્ધ કવીશ્વરે એક વખત કહેલી વાત યાદ આવે છે કે પોતે નવી કવિતા લખીને તે સરળ સમજાય એવી થઇ છે કે નહિ તે તપાસવાને મહોલ્લાની સ્ત્રીઓને સંભળાવતા અને તેમને ન સમજાય તે ફેરવતા.