પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
સાઠીનૂં વાઙ્ગમય.

મીઠાશ અને રચનામાં વિવિધ પ્રકારનાં ચાતુર્ય, એ વડે દલપત શૈલીનાં શાંત ને સુબોધક વર્ણનો ઝગઝગી રહ્યાં છે. દલપતરામની સદા ચોટ સભાનાં મનરંજન કરવા ઉપર જ રહેલી હોય છે, અને તેમાં તે બરાબર ફતેહ પામે છે, કેમકે શ્રોતાનાં મનમાં ઉતરીને તેને કેમ લાગે છે તે જોવાની શક્તિ આ કવિતામાં છે. ”

“ખુદ નર્મદની શૈલીનું સ્વરૂપ તથા ઉદ્દેશ આથી ઉલટાં જ છે. એ સભાને રંજન કરવા નહિ, પણ પોતાના અંતરનો ઉભરો બ્હાર કાઢવા જ કવિતા કરે છે. કવન વેળા દલપતરામની સમક્ષ જેમ શ્રોતાની મૂર્ત્તિ આવીને ઉભી રહે છે અને તે તરફ જોઈ જોઈને જ એ પોતાની શૈલીનો ઘાટ ઘડે છે તેમ અહિંયાં કવિતા કરવાને સમે અમુક લાગણી કવિની રગેરગમાં વ્યાપી રહે છે, અને તે જેમ પ્રેરે છે, તેમ જ એ ઉદ્‌ગાર કરે છે. નર્મદની લાગણી કવચિત જ વિનોદી, પણ બહુધાતો ગંભીર અને આતુર એટલે દર્દથી ઉછળતી હોય છે. વખતે મદોન્મત થઇ ભાષા તથા વ્યવહારનાં બંધનો પણ એ તોડી નાંખે છે. શાંતવૃત્તિમાં પણ નર્મદની કાવ્ય દેવી વ્યવહારના પટને ભેદી શાસ્ત્રીય કે કાલ્પનિક પ્રદેશમાં જ ભ્રમણ કરવાનું પસંદ કરે છે. નર્મદ શૈલીમાં સ્વભાવ તથા શાસ્ત્રનું બળ ઘણું પણ ચાતુર્યનું થોડું જ દીઠામાં આવે છે. ”

“કવન વેળા કવિના ચિત્તની સ્વસ્થતા, પદ્યબંધ કળાનું પરિપૂર્ણ કૌશલ્ય, અને શ્રોતાને રંજન કરવાની વૃત્તિ તથા શક્તિ એ ચાતુર્ય શૈલીની કવિતાનાં મુખ્ય લક્ષણ છે; ચાતુર્ય શૈલી રાજદરબાર તથા સભાઓમાં ઠીક પોષાય છે, અને તેથી અમે તેને સભારંજની કહી છે.” “ટુંકામાં એક જ શબ્દમાં કહીએ, તો દલપતરામની શૈલી સભારંજની અને નર્મદાશંકરની તે મસ્ત. આ શૈલીઓ પરસ્પર અપ્રમેય એટલે એક બીજા સાથે માપી શકાય એવી જ નથી. તે પાતપોતાને સ્થળે ઉત્તમ જ છે. દેશ સુધારણાના વિષયમાં આ પ્રથક પ્રથક શૈલીઓ આ બે કવિયોએ વાપરી છે, અને તેમનું ફળ જુદે જુદે રૂપે પણ એક જાતનું અને સમાન જ થયું છે, દલપતરામે હસાવી રમાડી ધીમે ધીમે લોકને વ્હેમો ઉપર અનાદર