પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૭
સાહિત્ય (ચાલુ).

 કરાવ્યો; અને નર્મદાશંકરે ‘યા હોમ કરીને પડો’ એવી મસ્ત વાણીથી તેમને તે છોડવા પ્રવર્ત્તમાન કર્યા. આ બન્નેની કવિતાના કેટલાક ભાગ ગુજરાતી ભાષામાં અપૂર્વ અને લાંબા વખત સુધી રહે એવો છે.”*[૧]

ઇંગ્રેજી કવિતાનું અનુસરણ કરવાની પ્રબળ લાલસા કવિ નર્મદાશંકરમાં હતી. તેમની 'લલિતા', 'વજી,’ અને ‘વજેશંગ અને ચાંદબા' વગેરે એવાં જ કાવ્ય છે. અંગ્રેજ કવિ બાયરનના ડોન જુઆનના ઘાટનું કાવ્ય લખવાનો પ્રયાસ એમણે કર્યો હતો, અને ‘રૂદનરસીક’ નામના એ ધાટીના કાવ્યનો આરંભ ધરાધરી કર્યો હતો. પરંતુ આ યત્નોમાં કવિ ફતેહ પામ્યા નથી, ઇંગ્રેજી કવિતાનું લાલિત્ય, કલ્પના અને મનોહરતા ગુજરાતીમાં ઉતરી શકી નથી. ઘણા કાળ સુધી નર્મદે લીધેલા આ માર્ગનું કોઈએ અનુસરણ કર્યું જણાતું નથી. જેમાં નર્મદાશંકરની ફતેહ નથી થઈ તેવા પ્રકારની કવિતામાં ફતેહ મેળવવાનું બીજા જ ગૃહસ્થને માટે નિર્માણ થયું હતું તે વિષે અમે અગાડી કહીશું. આ સમયના આ બે ધુરંધર કવિયોને માટે આટલું ટુકું જ કહીને ત્યાર પછીના લખનારાઓના સંબંધમાં અને ગુજરાતી કવિતાની શૈલીમાં થયેલા ફેરફારને અંગે બોલીશું.

કવીશ્વર દલપતરામની અને કવિ નર્મદાશંકરની શૈલીનું અનુસરણ કરનારા કેટલાક લખનાર થયા છે. પહેલો કોટીમાં રા. હરજીવન પુરશોતમ જેને ઋષિરાજ કહે છે તે-રા. રણછોડલાલ ગલુરામ, રા. ગણપતરામ રાજારામ, રા. બુલાખી ચકુભાઇ અને રા. છોટાલાલ સેવકરામ વગેરે આવે છે.

શ્રેય:સાધક અધિકારી મંડળના રા. છોટાલાલ, રા. નગીનદાસ પુ. સંઘવી અને રા. કૌશિકરામ વિઘ્નહરરામ વગેરે ગુજરાતી સાહિત્યમાં દાખલ થએલી નવિનતાથી યત્નસર આઘા ને આઘા રહીને હિંદુ ધર્મનાં મૂળ સિદ્ધાન્તનું પ્રતિપાદન અને ધર્મબોધ કર્યે જાય છે. તેમની શૈલી, તેમની વિચારશ્રેણી અને તેમની વિવરણ કળા દલપતસાઈ જ છે.

બીજી કોટીમાં રા. વિજયાશંકર, રા. સવિતાનારાયણ અને


  1. *'કવિજીવન' નર્મ કવિતા. નવલરામ.