પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
સાઠીનૂં વાઙ્ગમય.

રા. બા. મધુવચરામ વગેરે આવી જાય છે. પરન્તુ આ ગૃહસ્થો પછી, આ બન્ને કોટીમાં કોઈ જાણીતા લખનાર થયા જાણ્યામાં નથી.

સમય જતાં પાઠશાળાના શિક્ષણનો લાભ ગુજરાતીઓ વધારે લેવા લાગ્યા અને એને અંગે સંસ્કૃતનો અભ્યાસ પણ વધ્યો. ગુજરાતી સાહિત્યમાં સંસ્કૃત સાહિત્યની ઝાઝી અસર થવા લાગી. આવી તરેહની કવિતાના અગ્રણી અમને બે જણ જણાય છે. સ્વ. ભીમરામ ભોળાનાથ દીવેટીઆ અને સ્વ. હરિલાલ હર્ષદરાય ધ્રુવ. એમની કવિતા આવા પ્રકારની છે.

સ્વ. મણિલાલ નભુભાઇની કવિતા વળી આનાથી નોંખી છે. સંસ્કૃત સાહિત્યની અસર તો નિર્વિવાદિત રીતે એમાં દૃષ્ટિએ પડે છે. તેની સાથે સ્હેજ ફારસી કવિતાની અસરની છાંટ પણ એમની કવિતામાં દેખાય છે.

એમની લખેલી કવિતાનો જથો બહુ થોડો છે. તેમની લેખનશક્તિ બહુધા તત્વજ્ઞાનના વિષયોનાં ગદ્ય લખાણમાં રોકાઈ હતી. પરંતુ જે કાવ્યો તેમણે લખ્યાં છે તે ઉંચા પ્રકારની કવિત્વશક્તિ દર્શાવે છે. તેમનાં કાવ્યનો વિષય એક જ છે–વેદાન્ત–જ્ઞાન. એ કાવ્યોનો સંગ્રહ ‘આત્મનિમજ્જન’ના નામથી તેમણે સને ૧૮૯૫ માં પ્રસિદ્ધ કર્યો હતો. એ ગ્રંથની પ્રસ્તાવનામાં તેઓ લખે છે તેમ મનુષ્ય પોતાના આત્મામાં ડુબકી મારતાં કેવાં નવાં નવાં મોતી રત્ન આદિ લઈને ઉપર આવે છે અને આત્મા પોતાના કેવા વિવિધ રંગે રમી રહ્યો છે તેનું દર્શન આ કાવ્યોથી થાય છે. એ કાવ્યોમાં બે પ્રકારની શૈલી છે. એક શૈલી ફારસી સુફી શાયરોની છે અને તેમાં શુંગારરસના પ્રેમને અને વેદાન્તની માયાને ગૂઢાર્થદ્વારા ભેળવી દીધાં છે. બીજી શૈલી અખા સરખા જુના ગુજરાતી કવિઓની છે પણ તે કવિઓની પેઠે સંસાર તરફની વૈરાગ્યને પ્રેમ વિમુખ ન કરતાં પ્રેમાનંદમય કર્યો છે. પહેલી શૈલીની "દિલ શું દિલ લાગ્યા પછી ખેંચે શું તું ખીજાઈને", “તારો દિવાનો તેંજ પાયો મુજને ઈસ્કે શરાબ”, “દૃગરસભર મોરે દિલછાઈ રહી”*[૧]


  1. *આ કવિતા લખાઈ ત્યારે એ સ્વર્ગવાસી વિદ્વાનનો વેદાંતનો પરિચય અમે જાણ્યો નથી. મૂળ તો માત્ર શૃંગારની પણ પછીથી વેદાંતમાં ઘટાવી છે