પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૯
સાહિત્ય (ચાલુ).

'નિધાય સનમ નુરય્ ખુદા કે દયમ્ આદમ', ઈત્યાદિ રસભરી કાવ્યોક્તિઓમાં માયા અને બ્રહ્મના ગૂઢાર્થ ન હોય અને કવિતાનો જ આસ્વાદ હોય એમ સહૃદરજનોને ઉત્કંઠા થશે. બીજી શૈલીમાં 'અમે વહાણે ચઢ્યા પ્રેમાનંદ ને કરી જગત્ જુહારરે,’ એવા સોલ્લાસ પોકાર કરનાર કવિના મુખમાંથી 'ધૂળ ઉપર લીંપણ કેમ લાગે' એવા શુષ્ક નીરસ પ્રાકૃત વ્યાવહારિક દાખલા ન નિકળતા હોય તો કાવ્યની સુંદરતા વધારે જળવાય એમ રસજ્ઞ વાચકોને લાગશે. પરંતુ આવા અશ છતાં પણ રા. મણિલાલનાં કાવ્યો ઉંચી પંક્તિનાં છે એ નિસંશય છે. કાવ્ય પ્રદેશમાં તેમણે વિસ્તારથી પ્રવાસ કર્યો હોત તો 'કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે,' 'કંહીં તું જાય છે દોડી દગાબાજી કરી કીસ્મત્' એ હૃદયના રસિક ઉંડા ભાવથી અનેક પ્રકારનાં રમણીય કાવ્યોનો સમુદાય ગુજરાતી સાહિત્યને સુશોભિત કરત.

ફારસી કવિતાની જાતની મસ્તીવાળા અને સંસ્કૃત સાહિત્યની અસર ન જણાય એવી બાનીમાં સ. ૧૮૭૭-૭૮ માં ‘બુલબુલ’ લખાયું હતું. સન ૧૮૮૨ માં એ બહાર પડ્યું હતું. સ્વ. બાલાશંકરને ‘બુલબુલ’ નો બહુ પક્ષપાત હતો અને બીજી આવૃત્તિ કાઢવાને એમણે કરેલા આગ્રહ છતાં પણ તે અમે ન કાઢવાથી પૂછ્યા ગાછ્યા વના એમણે છાપી લીધું હતું. બાલાશંકરે છપાવી છે એમ ન જાણતા હોવાથી અમે છાપનારના ઉપર દાવો કરવાની તૈયારી કરી હતી. એટલામાં બાલાશંકરે પોતે પોતાના વિનોદ માટે છપાવી હતી એમ કહેવાથી અમે એ વાત પડતી મુકી અને ત્રીજી આવૃત્તિ છપાવી. આ જ શૈલીની પણ ફારસીનું જ્ઞાન હોવાથી ફારસીની વધારે અસરવાળી અને મસ્તી ભરી કવિતા સ્વ. બાલાશંકરની છે. એનું માધુર્ય ઓર જ છે. આ જાતની કવિતાના અગ્રણી પદને એ ભાઈ યોગ્ય છે. સ્વ. કલાપિને પણ અમે આ જ કોટીના લખનાર ગણીએ છઇએ.

કવિ નર્મદાશંકરનો ઇંગ્રેજી કવિતાનો ઉઠાવ ગુજરાતીમાં આણવાનો ઉત્કૃષ્ટ અભિલાષ ફળ્યો નહોતો એ અમે કહી ગયા છઇએ. બીજા જ ગૃહસ્થને હાથે એ કામ થવાનું નિર્માણ થયું હતું એમ પણ અમે ત્યાં કહ્યું