પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
સાઠીનૂં વાઙ્ગમય.

હતું. આ બીજા ગૃહસ્થ તે રા. નરસિંહરાવ ભોળાનાથ દિવેટીઆ છે. એઓ ગુજરાતી વાચકવૃંદને ઇંગ્રેજી કવિતાની શૈલીની મનોહરતા અને માધુર્ય ગુજરાતીમાં ચખાડી શક્યા છે. આ જાતની કવિતા તરફ હાલ તરત તો ઘણું વલણ છે; અને એ પ્રવાહને વહેતો કરવાનું માન એ અગ્રણીને ઘટે છે. નવા ગ્રેજ્યુએટો બહુધા આ શૈલીના ભક્ત છે. કેટલાક માસિકોમાં અને ત્રિમાસિકોમાં છૂટા છવાયા લખે છે. કાન્ત, મકરંદ, સેહેની, લલિત, સુમન્ત વગેરે જૂદાં જૂદાં તખુલ્લસ ધારી લખનારાઓ આ કોટીમાં આવે છે.

સ્વ. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાટી કવિ તરીકે નહિ પણ નવલ કથાકાર તરીકે સુપ્રસિદ્ધ છે. તેમના સરસ્વતીચંદ્રમાં ‘સુખી હું તેથી કોને શું, દુઃખી હું તેથી કોને શું,’ 'દિધાં છોડી પિતામાતા, તજી વ્હાલી ગુણી દારા,’ ‘જહાંગીરી ફકીરી એ ! લલાટે છે લખાવી મ્હેં,' ઇત્યાદિ ટૂંકાં પદ્યો જેવાં ઉલટથી વંચાય છે તેવાં તેમની ‘સ્નેહમુદ્રા’માંનાં કાવ્યો વંચાતાં નથી. અને તેનું કારણ એ છે કે તેમની કવિતામાં ભાવનો પ્રબળ વેગ અને અલંકારનું બાહુલ્ય છતાં કઠોરતા છે અને સૌંદર્ય તથા લાલિત્યની ખામી છે. ‘સ્નેહમુદ્રા’ અથવા હૃદયમાં મુદ્રાંકિત થતા સ્નેહની છાયા એ કાવ્ય સને ૧૯૯૯ માં તેમણે પ્રથમ પ્રકટ કર્યું હતું. એમાં જુદા જુદા વિષયપર કાવ્યો છતાં તે સર્વ એક કથાનક પ્રસંગમાં જોડેલાં છે. નાયકને ‘હૃદયભૂત’ રૂપે આણી તેની પાસે વિવિધ વિચારો પ્રકટ કરાવ્યા છે, પણ તેમાં કવિતાની કળા સમાએલી નથી. એ વિચારો તત્ત્વચિંતનથી પરિપૂર્ણ છે. પણ કવિતામાં જે રમણીયતા તથા માધુર્યના પરિવેષ્ટનથી તત્ત્વચિંતન રૂચિકર થાય છે તે રા. ગોવર્ધનરામની શૈલીમાં નથી. અલંકારો ઘણા છતાં સાધારણ વ્યવહારની ઉક્તિઓ સાથે તે ભેળી નાંખ્યાથી તેમાંથી આસતા જતી રહી છે. 'દોડ્યો દોડાયું તેમ એ મન ઉંઘી ગયું તું' 'બોલે ઓછા બોલશું ? શું નથી હું લ્હોનાર’ એવાં વચનો ‘અરણ્ય રૂદિત’ ‘રસપાન’ વગેરે રસ યોગ્ય વિષયોનાં કાવ્યોમાં આવતાં હતાં તે આકર્ષક થતાં નથી. અલબત્ત ઉચ્ચ સંસ્કારોથી ઘડાએલી ગંભીરતા અને ભવ્યતા તેમનાં કાવ્યોમાં સર્વત્ર નજરે પડે છે, અને ‘વિરહ સમાધિલીન ઉદાસીન ઉર ન